Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

પાકિસ્‍તાન મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન સના મીરે આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાંથી કાયમી સન્યાસ લઇ લીધો

લાહોર: પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન સના મીરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કાયમ માટે અલવિદા કરી દેવાની જાહેરાત કરી દીધી છે. તેની આ જાહેરાત પછી તેના 15 વર્ષની કરિયર પર પણ પૂર્ણવિરામ લાગી ગયું છે. 34 વર્ષની સના પાકિસ્તાન માટે 120 વન ડે અને 106 ટી20 મેચ રમી છે જેમાં તેણે ક્રમશ: 1630 અને 802 બનાવીને ક્રમશ: 151 અને 89 વિકેટ લીધી છે.

2019માં સના મીર 100 આંતરરાષ્ટ્રીય T20 રમનારી પ્રથમ એશિયન મહિલા ક્રિકેટર બની ગઈ હતી. 2019માં કરાચીમાં વેસ્ટ ઈન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમ સામે રમાયેલી ત્રીજી મેચમાં સના મીરે આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. આંતરરાષ્ટ્રીય કરિયરની 100મી ટી20 મેચમાં તેણે 21 રન આપીને 2 વિકેટ લઈ પોતાની ટીમને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

પૂર્વ કેપ્ટન અને સીનિયર ઓફ સ્પિનર સના મીરને ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી મહિલા ટી20 વિશ્વ કપ માટે પાકિસ્તાનની 15 સભ્યોની મજબૂત ટીમમાંથી બહાર કરી દેવામાં આવી હતી. મહિલા પસંદગી સમિતિએ આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ટૂર્નામેન્ટમાં તેના પ્રદર્શન તથા ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિઓમાં ટીમના સંયોજનનો હવાલો આપતા સનાને ટીમમાં જગ્યા આપી નહોતી. આ સમયથી જ તેની નિવૃત્તિની અટકળો શરૂ થઈ  ગઈ હતી.

(5:04 pm IST)