Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ટીમ ઈન્ડિયાના બોલરોએ રંગ રાખ્યોઃ કાંગારૂઓની ટીમ ૧૯૫ રનમાં જ ભોંય ભેગી

બુમરાહને ૪, અશ્વિન ૩, શિરાજને ૨ અને જાડેજાને ૧ વિકેટઃ ભારત ૩૬/૧

મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં શરૂ થઈ છે. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ ઈનિંગમાં ૧૯૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ તરફથી બુમરાહે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય અશ્વિનને ત્રણ અને સિરાજને બે સફળતા મળી હતી. પ્રથમ દિવસના અંતે ભારતે ૧ વિકેટ ગુમાવી ૩૬ રન બનાવી લીધા છે. શુભમન ગિલ (૨૮) અને ચેતેશ્વર પૂજારા (૭) ક્રિઝ પર છે. ભારતને પ્રથમ ઝટકો મયંક અગ્રવાલ (૦)ના રૂપમાં લાગ્યો હતો. તે મિશેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર ૧૯૫ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલરોએ દમદાર પ્રદર્શન કરતા એમસીજીમાં કાંગારૂ બેટ્સમેનોને ખુબ પરેશાન કર્યા અને ટીમને ૨૦૦ રન પહેલા સમેટી દીધી હતી. બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં યજમાન ટીમનો કોઈપણ બેટ્સમેન અડધી સદી ફટકારી શકયો નહીં.

એમસીજી ટેસ્ટમાં કાંગારૂ કેપ્ટન ટિમ પેને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ કાંગારૂ બેટ્સમેન ભારતીય બોલર સામે ટકી શકયા નહીં. ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ ૪૮ રન માર્નસ લાબુશાનેએ બનાવ્યા હતા. તેણે ૧૩૨ બોલનો સામનો કરતા ૪૮ રનની ઈનિંગ રમી હતી.

માર્નસ લાબુશાને સિવાય ટ્રેવિસ હેડે ૯૨ બોલ પર ૩૮ રનની ઈનિંગ રમી હતી. મેથ્યૂ વેડે ૩૦ રન બનાવ્યા, પરંતુ આ સિવાય કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શકયા નહીં. ૫ બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શકયા નહીં. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. તેણે જો બર્ન્સ, ટ્રેવિસ હેડ, મિશેલ સ્ટાર્ક અને નાથન લાયનને આઉટ કર્યા હતા. ત્રણ સફળતાઓ અશ્વિનને મળી હતી. અશ્વિને મેથ્વૂ વેડ, સ્ટીવ સ્મિથ અને કેપ્ટન ટિમ પેનને પેવેલિયન પરત મોકલ્યા હતા.

તો ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરનાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી, અંતિમ સફળતા રવીન્દ્ર જાડેજાનો મળી હતી. સિરાજે માર્નસ લાબુશાને અને કેમરન ગ્રીનને આઉટ કર્યા, જયારે જાડેજાએ કમિન્સને આઉટ કર્યો હતો.

(3:21 pm IST)