Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

હવે એશિયા ઇલેવન ટીમમાં પાક ક્રિકેટરો રમી શકશે નહીં

બીસીસીઆઈ ચીફ સૌરવ ગાંગુલી પાંચ ખેલાડીઓની પસંદગી કરશે : અતિ વિસ્ફોટક સંબંધોના કારણે ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ સાથે રમી શકશે નહીં : બીસીસીઆઈની પુષ્ટિ

નવીદિલ્હી, તા. ૨૬ : ખરાબ રાજનીતિક સંબંધો વચ્ચે ભારત અને પાકિસ્તાનના ખિલાડીઓને સાથે રમતા જોઈ શકાય તેવી શક્યતા હાલ ઓછી દેખાઈ રહી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પુષ્ટિ કરી છે કે, ભારત અને પાકિસ્તાનના ખેલાડી આગામી વર્ષે એશિયા ઇલેવન ટીમમાં એક સાથે નહીં રમે. માર્ચ ૨૦૨૦માં બાંગ્લાદેશના યજમાન હેઠળ એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચે બે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ રમાનાર છે. બીસીસીઆઈના સચિવ જયેશ જ્યોર્જે કહ્યું હતું કે, સ્પષ્ટ સંદેશ છે કે, પાકિસ્તાનના કોઇપણ ખેલાડીને એશિયાન ઇલેવન ટીમમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવશે નહીં. બીસીસીઆઈ ચીફ સૌરવ ગાંગુલી એ નક્કી કરશે કે કે ભારતના કયા પાંચ ખેલાડી આ ટીમમાં ભાગ લઇ શકશે. જ્યોર્જે વધુમાં જણાવ્યું હતું કે, અમારી પાસે એવી માહિતી છે કે, પાકિસ્તાનના ખિલાડી એશિયા ઇલેવનમાં જોડાશે નહીં. આ મેસેજ હોવાથી કોઇ પ્રશ્ન જ નથી કે, બંને દેશના ખેલાડી સાથે રમી શકશે.

           સૌરવ ગાંગુલી નક્કી કરશે કે ભારતના કયા પાંચ ખેલાડી એશિયા ઇલેવનમાં જોડાઈ શકશે. જો કે, ગાંગુલીએ પહેલા કહ્યું હતું કે, આ મેચ એશિયા ઇલેવન વિરુદ્ધ વર્લ્ડ ઇલેવન છે અને આના માટે આઈસીસીની મંજુરી જરૂરી રહેશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) બોંગબંધુ શેખ મુજીબ ઉર રહેમાન, બાંગ્લાદેશના ફાઉન્ડરની જન્મ શતાબ્દીની ઉજવણી કરી રહ્યા છે અને આના જ કારણે યજમાનીમાં બે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચનું આયોજન કરવામાં આવનાર છે. આઈસીસી આ મેચોને અધિકારીક સ્ટેટસ (આંતરરાષ્ટ્રીય) આપવા માટે પણ તૈયાર થઇ ચુક્યું છે. આ બંને મેચ ૧૮થી ૨૨મી માર્ચ વચ્ચે રમાનાર છે. પહેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને વિરોટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાને એશિયા ઇલેવન ટીમમાં સામેલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. બીસીબી અધ્યક્ષ નજમુલ હસને કહ્યું હતું કે, હાલની ટીમમાં સારા ખેલાડીઓને સામેલ કરવા અંગે અમે વિચારી રહ્યા છે કેમ કે આ મેચને આંતરરરાષ્ટ્રીય દરજ્જો પણ રહેશે.

આજ કારણથી દરેક ખેલાડી તેને ગંભીરતાથી લેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ખરાબ રાજનીતિક સંબંધો વચ્ચે બંને દેશોના ક્રિકેટ સંબંધોમાં પણ પૂર્ણવિરામ લાગી ગયું છે. જો કે, આઈસીસી (૨૦૧૭ ચેમ્પિયન્સ ટ્રોફી) અને કોન્ટિનેન્ટલ ટૂર્નામેન્ટ (એશિયા કપ)માં બંને ટીમો એકબીજાની વિરુદ્ધ રમી રહી છે. પાકિસ્તાનના યજમાનમાં શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સિરિઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેના કારણે ૧૦ વર્ષ બાદ આ દેશમાં ટેસ્ટ ક્રિકેટમાં વાપસી થઇ હતી. આ સિરિઝને પાકિસ્તાને ૧-૦થી જીતી લીધી હતી. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ અહેસાન મનીએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં સુરક્ષા અંગેની સ્થિતિ ભારત કરતા વધુ સારી છે. વર્લ્ડ ઇલેવને હજુ સુધી માત્ર ૩ જ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચ રમી છે જ્યારે એશિયા ઇલેવન ટીમે કોઇપણ ટી-૨૦ મેચ રમી નથી. વર્લ્ડ ઇલેવને છેલ્લી મેચ વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ લોડ્સ મેદાન પર ૩૧મી માર્ચ ૨૦૧૮ના દિવસે રમી હતી.

(8:07 pm IST)