Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

૨૦૨૦ પ્રોફેશનલ્સ ટેનિસ ખેલાડી તરીકે મારૂ અંતિમ વર્ષ હશેઃ ટેનીસ સ્ટાર લિએન્ડર પેસ નિવૃત્તિ લેશે

નવી દિલ્હીઃ ભારતના મહાન ટેનિસ ખેલાડી લિએન્ડર પેસે બુધવારે જાહેરાત કરી કે તે વર્ષ 2020મા રમતને અલવિદા કહી દેશે અને પ્રોફેશનલ્સ સર્કિટ પર આ તેનું અંતિમ સત્ર હશે. પોતાના સૂવર્ણ કરિયરમાં 18 ગ્રાન્ડસ્લેમ ડબલ્સ સહિત ઘણા ટાઇટલ જીતી ચુકેલ પેસ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. ડેવિસ કપના ઈતિહાસમાં સૌથી સફળ ડબલ્સ મેચ જીતી ચુકેલ પેસ 19 વર્ષમાં પ્રથમવાર ટોપ-100માથી બહાર થઈ ગયો છે.

પેસે ટ્વીટર પર લખ્યું, 'હું જાહેરાત કરવા ઈચ્છું છું કે 2020 પ્રોફેશનલ્સ ટેનિસ ખેલાડી તરીકે મારૂ અંતિમ વર્ષ હશે.' તેણે આગળ લખ્યું, 'હું 2020 ટેનિસ કેલેન્ડરની રાહ જોઈ રહ્યો છું જેમાં હું કેટલિક ટૂર્નામેન્ટ રમીશ, ટીમની સાથે યાત્રા કરીશ અને વિશ્વભરમાં મારા મિત્રો અને પ્રશંસકો સાથે જશ્ન મનાવીશ.'

તેમણે કહ્યું, 'તમારા બધાના કારણે હું અહીં સુધી પહોંચ્યો છું. હું આ વર્ષે તમારા બધાનો આભાર વ્યક્ત કરવા ઈચ્છુ છું.' તેમણે પોતાના માતા પિતા ડોક્ટર વેસ પેસ, બંન્ને બહેનો અને પુત્રીનો પણ આભાર માન્યો છે.

પેસે લખ્યું, 'હું મારા માતા પિતાને તેના માર્ગદર્શન, અનુશાસન, તેમના દ્વારા બનાવવામાં આવેલા માહોલ અને વિના શરત પ્રેમ માટે આભાર વ્યક્ત કરુ છું. તેમના સહયોગ અને વિશ્વાસ વિના હું અહીં સુધી ન પહોંચી શક્યો હોત.' પેસે પોતાની મોટી બહેનો અને પુત્રી અયાનાનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

પેસે પોતાના ચાહકોને તેની સાથે જોડાયેલી પસંદગીની યાદોને પણ શેર કરવા કહ્યું, જેનો હેશટેગ હશે 'વન લાસ્ટ રોર.'

(5:07 pm IST)