Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ઈન્જરી થાય એનો મને ડર નથી, મારે ફક્ત આઉટ નથી થવું : વિરાટ કોહલી

૨૦૧૪માં વિરાટ કોહલીનું પ્રદર્શન ઇંગ્લૅન્ડ ટૂરમાં સારું નહોતું રહ્યું

નવી દિલ્હી, તા.૨૬ : ૨૦૧૪માં વિરાટ કોહલીનું પ્રદર્શન ઇંગ્લૅન્ડ ટૂરમાં સારું નહોતું રહ્યું. કન્ડિશનના આધારે પોતાને સેટ ન કરી શકવાથી કોહલી સસ્તામાં આઉટ થઈ જતો હતો. પોતાના એ પ્રદર્શનને યાદ કરીને કોહલીએ કહ્યું કે '૨૦૧૪ની ઇંગ્લૅન્ડ ટૂરમાં પરિસ્થિતિના આધારે હું પોતાને સેટ નહોતો કરી શક્યો.

મારું માનવું છે કે તમારે ક્યારે પણ રિજિડ બનીને ન રહેવું જોઈએ. આ રિજિડનેસ તમને ક્યાંય નહીં લઈ જાય. મારી કરીઅરમાં ૨૦૧૪નું વર્ષ એક માઇલસ્ટોન રહ્યું હતું. એ સમયે મેં મારી રમતમાં ઘણા ફેરફાર કર્યા હતા. પછીથી મને અનુભવ થયો કે ટેસ્ટ ક્રિકેટ સૌથી અઘરું ક્રિકેટ છે અને મારી ગેમ સુધારવા માટે મારે વધારે ટેસ્ટ ક્રિકેટ રમવું પડશે. જો એ ટૂર ન રમાઈ હોત તો કદાચ હું મારી ટેક્નિક બદલી ન શક્યો હોત. એ પ્રવાસથી જ મેં મારી ઇન્ટરનૅશનલ કરીઅરને વધારે સારી બનાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. મેં નક્કી કર્યું હતું કે ટેસ્ટ ક્રિકેટ રમીને હું મારો વિકાસ જરૂર કરીશ.

ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ બાદ રવિભાઈએ મને અને શિખરને બોલાવ્યા હતા. તેમની અન્ડરસ્ટૅન્ડિંગ ઘણી શાર્પ હતી. તેમણે મને પૂછ્યું કે તું શૉર્ટ બોલથી ડરે છે. જોકે ત્યારે મેં જવાબ આપ્યો હતો કે હું ડરતો નથી. મને ઈજાનો ડર નથી, મારે ફક્ત આઉટ નથી થવું.

એ વખતે તેમણે મને કેટલીક સલાહ આપી હતી અને એ સલાહનું પાલન ઑસ્ટ્રેલિયા ટૂરમાં એ જ વર્ષે કર્યું હતું જેનું પરિણામ જબરદસ્ત મળ્યું.

ઇંગ્લૅન્ડ બાદ મેં સચિનભાઈ સાથે પણ ચર્ચા કરી હતી અને તેમણે મારી હિપ પોઝિશન પર કામ કરવાનું કહ્યું હતું. એ વખતે મને બિગ સ્ટ્રાઇડના મહત્ત્વની ખબર પડી હતી.

ખરું કહું તો ૨૦૧૪ પછી લોકો મારા માટે શું વિચારે છે એ વિચારવાનું મેં બંધ કરી દીધું હતું. સ્વાભાવિક છે કે મને એનાથી તકલીફ થતી હતી, પણ કેટલાક સ મયમાં અમે એનું સમાધાન શોધી લીધું હતું. ત્યાર બાદ મારા ઝોનમાં જઈને મેં કામ શરૂ કર્યું હતું અને ૨૦૧૮માં ઇંગ્લૅન્ડ ટૂર મારી સફળ ટૂરમાંની એક ટૂર રહી હતી.

(11:36 am IST)