Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ભારત-આયર્લેન્ડ વચ્ચે કાલે ડબલીનમાં ટ્વેન્ટી-૨૦ મેચ

કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ હોટફેવરિટ : ડબલીનમાં રમાનારી મેચમાં ઘરઆંગણે આયર્લેન્ડ સારો દેખાવ કરવા તૈયાર : ટીમ ઇન્ડિયા સંપૂર્ણ તાકાતની સાથે

ડબલીન, તા. ૨૬ : ડબલીનમાં આવતીકાલે ભારત અને આયર્લેન્ડ વચ્ચે બે ટ્વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ મેચ રમાનાર છે. આને લઇને બંને ટીમો પોતપોતાનીરીતે તૈયારી કરી ચુકી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. ટીમ ઇન્ડિયા હોટફેવરિટ તરીકે મેદાનમાં ઉતરશે છતાં આયર્લેન્ડની ટીમ પણ ઘરઆંગણે સારો દેખાવ કરવા માટે પ્રયાસ કરશે. પ્રથમ ટ્વેન્ટી મેચ આવતીકાલે રમાયા બાદ ૨૯મીએ બીજી મેચ રમાશે. આ બંને ટ્વેન્ટી મેચો રમાયા બાદ ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમ ત્રણ વનડે મેચોની શ્રેણી રમશે ત્યારબાદ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. ભારતીય ટીમ વિસ્તૃત પ્રવાસના ભાગરુપે ડબલીન પહોંચી છે. આયર્લેન્ડ સામે રમ્યા બાદ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે રમશે. ઇંગ્લેન્ડની ટીમ હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહી છે. ઇંગ્લેન્ડે હાલમાં જ પાંચ વનડે મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા પર ૫-૦થી જીત મેળવી હતી. ઇંગ્લેન્ડની ટીમના તમામ ખેલાડીઓ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે તે જોતા મેચ ખુબ જ રોમાંચક બની રહેશે. ભારતીય ટીમ સંપૂર્ણ તાકાત સાથે ઇંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલી ઉપરાંત શિખર ધવન, મહેન્દ્રસિંહ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર ઉપર તમામની નજર રહેશે. ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે મેચો રમ્યા બાદ બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ બર્મિંગહામ ખાતે રમાશે. આ ટેસ્ટ મેચ પહેલી ઓગસ્ટથી શરૂ થશે. પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ સાતમી સપ્ટેમ્બરથી રમાશે જે ૧૧મી સપ્ટેમ્બર સુધી ચાલશે. ક્રિકેટ નિષ્ણાતો પણ માની રહ્યા છે કે, લાંબા ગાળા બાદ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની આ શ્રેણી રોમાંચક રહેશે. ઇંગ્લેન્ડની ટીમ હાલમાં ખુબ જ સંતુલિત ટીમ દેખાઈ રહી છે જેથી વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની કસોટી થશે. ઇંગ્લેન્ડના તમામ ખેલાડીઓ હાલમાં ધરખમ ફોર્મ ધરાવે છે જેથી ઓસ્ટ્રેલિયાની ટીમ ઉપર ઇતિહાસમાં પ્રથમ વખત વનડે શ્રેણી ૫-૦થી જીતી શક્યા છે. પાંચમી અને અંતિમ વનડે મેચમાં પણ શાનદાર જીત મેળવી હતી જેમાં બટલરે સદી ફટકારી હતી. આ વનડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડે ૪૮૦થી પણ વધુનો જુમલો ખડકીને નવો રેકોર્ડ કર્યો હતો. આ વનડે મેચમાં અનેક રેકોર્ડ સર્જાયા હતા. ભારતને ઇંગ્લેન્ડના ધરખમ ફોર્મને લઇને સાવધાન રહેવાની જરૂર પડશે. આવતીકાલે રમાનારી આ મેચનું પ્રસારણ રાત્રે ૮.૩૦ વાગ્યાથી કરવામાં આવશે.  જ્યારે ઇંગ્લેન્ડ સામેની ટ્વેન્ટી મેચોનું પ્રસારણ પણ રાત્રે ૧૦ વાગ્યાથી કરવામાં આવશે. આવી જ રીતે વનડે મેચોનું પ્રસારણ સાંજે પાંચ વાગ્યાથી કરાશે. બંને ટીમ નીચે મુજબ છે.

વિરાટ કોહલી (કેપ્ટન), જસપ્રિત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, શિખર ધવન, એમએસ ધોની, કાર્તિક, કૌલ, કુલદીપ, ભુવનેશ્વર, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ, સુરેશ રૈના, રોહિત શર્મા, વોશિંગ્ટન સુંદર, ઉમેશ યાદવ.

આયર્લેન્ડ ટીમ : ગેરી વિલ્સન (કેપ્ટન), એન્ડી બાલબિરની, પીટર ચેસ, જ્યોર્જ ડોકરેલ, જોશુઆ લિટલ, એન્ડી મેકબ્રાઇન, કેવિન ઓબ્રાયન, વિલિયમ કોટરફિલ્ડ, સ્ટુઅર્ટ પોન્ટેર, બોયડ રેન્કિંગ, જેમ્સ સેનુન, સિમી સિંહ, પૌલ સ્ટર્લિંગ, સ્ટુઅર્ટ થોમસન.

શ્રેણીનો વિસ્તૃત કાર્યક્રમ

        ડબલીન, તા. ૨૬: આયર્લેન્ડ સામે બે ટ્વેન્ટી મેચ બાદ ઇંગ્લેન્ડ સામે ટ્વેન્ટી, વનડે અને ટેસ્ટ મેચોનો કાર્યક્રમ નીચે મુજબ છે.

*   ૨૭મી જૂનના દિવસે ડબલીનમાં આયર્લેન્ડ સામે ટ્વેન્ટી

*   ૨૯મી જૂનના દિવસે ડબલીનમાં આયર્લેન્ડ સામે ટ્વેન્ટી

ઇંગ્લેન્ડ સામેની શ્રેણીનો કાર્યક્રમ

*   ત્રીજી જુલાઈના દિવસે માન્ચેસ્ટરમાં પ્રથમ ટ્વેન્ટી

*   છઠ્ઠી જુલાઈના કાર્ડડિફમાં બીજી ટ્વેન્ટી

*   ૮મી જુલાઈના દિવસે બ્રિસ્ટોલમાં ત્રીજી ટ્વેન્ટી

*   ૧૨મી જુલાઈના દિવસે નોટિંગહામમાં પ્રથમ વનડે

*   ૧૪મી જુલાઈના દિવસે લંડનમાં બીજી વનડે

*   ૧૭મી જુલાઈના દિવસે લીડ્ઝમાં ત્રીજી વનડે

*   પહેલી ઓગસ્ટના દિવસે બર્મિંગ્હામમાં પ્રથમ ટેસ્ટ

*   ૯મી ઓગસ્ટના દિવસે લંડનમાં બીજી ટેસ્ટ

*   ૧૮મી ઓગસ્ટથી નોટિંગ્હામમાં ત્રીજી ટેસ્ટ

*   ૩૦મી ઓગસ્ટથી સાઉથમ્પટમાં ચોથી ટેસ્ટ

*   ૭મી સપ્ટેમ્બરથી લંડનમાં પાંચમી ટેસ્ટ

(7:35 pm IST)