Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

બોલ ટેમ્પરીંગના વિવાદ વચ્ચે કાંગારૂઓના ડાંડીયા ડૂલ

ત્રીજા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો ૩૨૨ રને ઘોર પરાજય : આફ્રિકા સિરીઝમાં ૨-૧થી આગળ : પોતાની અંતિમ સિરીઝ રમી રહેલા મોર્કલે પાંચ વિકેટો ખેરવી : ઓસ્ટ્રેલિયાનો કામચલાઉ કેપ્ટન છે પેઈન

કેપટાઉન : બોલ ટેમ્પરીંગના વિવાદ વચ્ચે ત્રીજા ટેસ્ટના બીજા દાવમાં કલંકિત ઓસ્ટ્રેલિયાની ટીમનો માત્ર ૧૦૭ રનમાં ધબડકો  થયો હતો. દ. આફ્રિકાએ ત્રીજા ટેસ્ટમાં ૩૨૨ રને શાનદાર વિજય મેળવીને ૪ વિકેટ મેચની શ્રેણીમાં ૨-૧ની અતૂટ સરસાઈ મેળવી લીધી હતી. આજે ત્રીજા ટેસ્ટના ચોથા દિવસે કાંગારૂ ટીમ ૪૩૦ રનના વિજય લક્ષ્યાંક સામે મોર્કલની આગેવાની હેઠળની આફ્રિકાની બોલીંગ લાઈન અપ સામે ધરાશાયી થઈ ગઈ હતી અને માત્ર ૩૯.૪ ઓવરમાં ૧૦૭ રનમાં ડુલ થઈ ગઈ હતી. પોતાની આખરી શ્રેણી રમી રહેલા મોર્કલે ૯ વિકેટ થઈ હતી. બીજા દાવમાં એક તબક્કે ઓસી.ના વિના વિકેટે ૫૭ રન થયા હતા. આ પછી બોલ ટેમ્પરીંગ કરનાર બેનક્રોફટ ૨૬ રને રનઆઉટ થયો હતો અને કાંગારૂ ટીમ વધુ ૫૦ રનમાં ઉમેરામાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વોર્નરે ૨૬, સ્મિથે ૭ અને કામચલાઉ સુકાની પેને અણનમ ૭ રન કર્યા હતા.

આ પહેલા આજે ત્રીજા ટેસ્ટના ચોથા દિવસે દ. આફ્રિકાનો બીજો દાવ ૧૧૨.૨ ઓવરના અંતે ૩૭૩ રને સમાપ્ત થયો હતો. આફ્રિકાને પહેલા દાવની ૮૬ રનની સરસાઈ મળી હતી. આથી ઓસ્ટ્રેલિયા સામે જીતનો લક્ષ્યાંક ૪૩૦ રનનો આવ્યો હતો. આફ્રિકાએ પહેલા દાવમાં ૩૧૧ રન કર્યા હતા. જે સામે આસી. ટીમ પહેલા દાવમાં ૨૨૫ રનમાં ઓલઆઉટ થઈ હતી.

(4:09 pm IST)