Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ઈંગ્લીશ ચેનલ પાર કરનાર ગુજરાનની પ્રથમ મહિલા સ્વિમર બની વંદિતા ધારિયાલ

નવી દિલ્હી:રાષ્ટ્રીય તેમજ રાજ્યસ્તરે નોંધપાત્ર સફળતા મેળવનારી અમદાવાદની સ્વિમર વંદિતા ધારિયાલે અત્યંત પ્રતિકૂળ હવામાન વચ્ચે ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચેની ઈંગ્લિશ ચેનલ (દરિયો) પાર કરીને ઈતિહાસ રચી દીધો હતો. વંદિતા આવી સિદ્ધિ મેળવનારી ગુજરાતની સૌપ્રથમ મહિલા સ્વિમર બની છે. વંદિતાની સિદ્ધિ એટલા માટે વિશેષ મહત્વની બની રહી છે કારણ કે  તેણે ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચેની ૩૬ કિમીની ઈંગ્લિશ ચેનલના, ૧૭ ડિગ્રી તાપમાન ધરાવતા ઠંડાગાર પાણીમાં તરી બતાવ્યું હતુ. વધુમાં આ દરિયામાં શાર્કનો ભય રહેતો હોય છે. જેલી ફિશ પણ સ્વિમિંગમાં મુશ્કેલી ઉભી કરતી હોય છે, ત્યારે વંદિતાએ ૧૩ કલાક, ૧૦ મિનિટ અને ૧૦ સેકન્ડ સુધી દરિયાના મોજા સામે ઝઝૂમતાં ઈંગ્લિશ  ચેનલ પાર કરવાનો રેકોર્ડ સર્જ્યો હતો. વિશ્વસ્તરે ગુજરાતને ગૌરવ અપાવનારી વંદિતાનું અમદાવાદના એલિસબ્રિજ જીમખાના ખાતે ગુજરાત સ્ટેટ એક્વેટિક એસોસિએશનના હોન. સેક્રેટરી વિરેન્દ્ર નાણાવટીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ. વંદિતાના કોચ કમલેશ નાણાવટી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.  નોંધપાત્ર છે કે, ઈંગ્લિશ ચેનલના મુશ્કેલ પડકારને પાર કરવામાં ભારતની માત્ર ૪૮ જેટલી મહિલા સ્વિમરો જ સફળ રહી છે.
 

(5:34 pm IST)