Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

૭૦ના દાયકાની વેસ્ટ ઈન્ડિઝ સાથે ટીમ ઈન્ડિયાની સરખામણી હાલમાં ન કરી શકાય : વિરાટ કોહલી

વિશ્વના કોઈપણ ખૂણે જીતવાની અમારી ટીમ ક્ષમતા ધરાવે છે

ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમે ઈડન ગાર્ડન્સમાં રાઉન્ડ મારીને દર્શકોનો આભાર માન્યો હતો

કલકત્ત્।ા : ટીમ ઈન્ડિયાએ બંગલા દેશને ઈડન ગાર્ડન્સમાં આપેલા પરાજય બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની યાદીમાં ૩૬૦ પોઇન્ટ્સ સાથે નંબર-વનનું સ્થાન જાળવી રાખ્યું છે. અત્યાર સુધી ભારત આ ચેમ્પિયનશિપમાં સાત મેચ રમ્યું છે અને સાતે સાત મેચ જીતવામાં એ સફળ રહ્યું છે. ટીમના આ ફોર્મને જોઈને એની સરખામણી ૧૯૭૦-૮૦ની વેસ્ટ ઇન્ડીઝની ટીમ સાથે થવા માંડી છે જેને રદિયો આપતાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાની આવી સરખામણી હાલમાં વહેલી ગણાશે.

કોહલીએ આ સંદર્ભ વાત કરતાં કહ્યું હતું કે ઓગસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે જીત્યા બાદ અમે સતત બધી ટેસ્ટ મેચ જીતતા આવ્યા છીએ. આ અમારી બારમી હોમ વિકટરી છે. હું માત્ર એટલું જ કહીશ કે અમે ગેમના શીર્ષસ્થાને છીએ. તમે વેસ્ટ ઇન્ડીઝની વાત કરો છો જેણે ૧૫ વર્ષ સુધી દબદબો જાળવી રાખ્યો હતો. અમે બધા હવે રિટાયર થવાને આરે છીએ. સમય કયાં, કેવી રીતે પસાર થઈ ગયો એની ખબર જ ન પડી. હાલમાં અમારું માઇન્ડસેટ અલગ છે.

અમે આજે વિશ્વમાં જયાં પણ રમીએ છીએ ત્યાં જીતવાની ક્ષમતા રાખીએ છીએ. અમે હવે આગળ ન્યુ ઝીલેન્ડ પર જઈશું ત્યારે પણ અમે જીતવાનાં રાર્ગેટ સાથે જ મેદાનમાં ઊતરીશું, પણ  હમણાં વેસ્ટ ઇન્ડીઝ સાથે સરખામણી કરવી વહેલી ગણાશે. પિન્ક બોલ સાથેની મેચ અમે જીત્યા, કેમ કે અમને ઘરઆંગણાની પરિસ્થિતિનો લાભ મળ્યો અને બોલરો એ લાભ ઉઠાવી શકયા.

(4:02 pm IST)