Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

બાંગ્લાદેશ સામેના વિજય બાદ ભારતે પોઇન્ટ ટેબલમાં ટોચની પોઝીશન મજબુત કરી લીધી

નવી દિલ્હીઃ ભારતે બાંગ્લાદેશને કોલકાતામાં રમાયેલી બીજી ટેસ્ટમાં હરાવીને 2-0થી ટેસ્ટ શ્રેણી જીતી લીધી છે. ઈડન ગાર્ડન્સમાં પિન્ક બોલથી રમાયેલી પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં રવિવારે બાંગ્લાદેશને એક ઈનિંગ્સ અને 46 રનથી પરાજય આપ્યો છે. બાંગ્લાદેશ પર વિજયની સાથે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતના 360 પોઈન્ટ થઈ ગયા છે.

      ભારતે ટોસ હાર્યા પછી પ્રથમ બોલિંગ કરતા બાંગ્લાદેશને 106 રને આઉટ કરી દીધું હતું. ત્યાર પછી કેપ્ટન વિરાટ કોહલીની સદીની મદદથી 9 વિકેટે 347 રને દાવ ડિક્લેર કર્યો હતો. ભારત તરફથી પ્રથમ ઈનિંગ્સમાં ઈશાંત શર્માએ 5 વિકેટ લીધી હતી.

      ત્યાર પછી ભારતીય ટીમે બીજા દિવસે શનિવારે રમત પુરી થતાં સુધીમાં બાંગ્લાદેશના 156 રનના સ્કોર પર બાંગ્લાદેશના 6 બેટ્સમેનને પેવેલિયન ભેગા કરી દીધા હતા. બાકીની ઔપચારિક્તા રવિવારે પુરી કરી. બાંગ્લાદેસની આખી ટીમ બીજી ઈનિંગ્સમાં 195 રને આઉટ થઈ ગઈ.

      બીજી ઈનિંગ્સમાં બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન મુશ્ફિકુર રહીમે લાંબો સંઘર્ષ કર્યો અને એક છેડો પકડી રાખ્યો હતો. તેણે 74 રનની આકર્ષક ઈનિંગ્સ રમી અને ભારતી બોલરોને હંફાવી દીધા હતા. જોકે, તેમ છતાં તે પોતાની ટીમનો ઈનિંગ્સથી પરાજય રોકી શક્યો નહીં.

        આ વિજય સાથે ભારતે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના(ICC World Test Championship) પોઈન્ટ ટેબલમાં(Point Table) પોતાની ટોચની પોઝિશન વધુ મજબૂત કરી લીધી છે. ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થયા પછી 7 ટેસ્ટ રમી છે અને તમામ ટેસ્ટમાં વિજય મેળવ્યો છે, જેના કારણે તેના 360 પોઈન્ટ થઈ ગયા છે.

ICC World Test Championship Point Table

ટીમ                  મેચ                  વિજય               પરાજય             ટાઈ                  ડ્રો         પોઈન્ટ

ભારત               7                      7                      0                      0                      0          360

ઓસ્ટ્રેલિયા         6                      3                      2                      0                      1          116

ન્યૂઝીલેન્ડ         2                      1                      1                      0                      0          60

શ્રીલંકા             2                      1                      1                      0                      0          60

ઈંગ્લેન્ડ                          5                     2                      2                      0                      1             56

વેસ્ટ ઈન્ડીઝ      2                      0                      2                      0                      0          0

દક્ષિણ આફ્રિકા   3                      0                      3                      0                      0          0

બાંગ્લાદેશ         2                      0                      2                      0                      0          0

પાકિસ્તાન         1                      -                       1                      -                       -           0

ભારત પછી બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા છે, જેણે 6 ટેસ્ટ રમી છે, જેમાંથી 3માં પરાજયના કારણે તેના માત્ર 116 પોઈન્ટ છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં વેસ્ટ ઈન્ડીઝ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો હજુ સુધી એક પણ પોઈન્ટ થયો નથી. ન્યૂઝીલેન્ડ, શ્રીલંકાના 60-60 અને ઈંગ્લેન્ડના 56 પોઈન્ટ છે.

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ સિસ્ટમ

આઈસીસી દ્વારા ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ કરાઈ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ સિસ્ટમ અનુસાર બે મેચની શ્રેણીમાં વિજય મેળવે તો 60 પોઈન્ટ, ટાઈ થાય તો 30 પોઈન્ટ અને ડ્રોના 20 પોઈન્ટ મળશે. પરાજયની સ્થિતિમાં એક પણ પોઈન્ટ નહીં મળે. ત્રણ મેચની શ્રેણીમાં વિજય થતાં 40 પોઈન્ટ, ટાઈ થતાં 20 પોઈન્ટ અને ડ્રો થવાની સ્થિતિમાં 13 પોઈન્ટ મળશે.

              ગમે તેટલી મેચની શ્રેણી હોય, પરંતુ જે ટીમ શ્રેણી હારી જાય તો તેને એક પણ પોઈન્ટ મળશે નહીં. ચારમેચની શ્રેણી જીતનારી ટીમને 30 પોઈન્ટ, ટાઈ થતાં 15 પોઈન્ટ અને મેચ ડ્રો થતાં 10 પોઈન્ટ મળશે. પાંચ મેચની શ્રેણીમાં વિજય મેળવવાની સ્થિતિમાં 24 પોઈન્ટ, ટાઈ થતાં 12 પોઈન્ટ અને ડ્રો થતાં 8 પોઈન્ટ મળશે. ટાઈ અને ડ્રોની સ્થિતિમાં બંને ટીમને એક સરખા પોઈન્ટ મળશે.

(5:18 pm IST)