Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

હું કોચ બનવા મરણિયો થયેલો, પણ વહીવટકાર બની ગયો: ગાંગુલી

કોલકતા: ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ ગઈ કાલે એક અંગ્રેજી સામયિકના કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે એક સમયે હું ભારતના નેશનલ ક્રિકેટ-કોચ બનવા મરણિયો થઈ ગયો હતો, પરંતુ છેવટે ઍડ્મિનિસ્ટ્રેટર બની ગયો. તમે જેટલું કરી શકવાના હોઈએ એ પરિણામનો વિચાર કર્યા વગર કરવું જ જોઈએ. જિંદગી તમને કયાંથી ક્યાં લઈ જશે એનો અંદાજ પણ નથી હોતો.. ૧૯૯૯માં હું ઑસ્ટ્રેલિયા ગયો ત્યારે માત્ર વાઇસ-કૅપ્ટન હતો. સચિન ત્યારે કૅપ્ટન હતો, પરંતુ ત્રણ મહિનામાં હું ભારતનો સુકાની બની ગયો હતો.

ગાંગુલીએ પોતાના વધુ વિચારો અને અનુભવો વ્યક્ત કરતા કહ્યું હતું કે હું વહીવટમાં પ્રવેશ્યો ત્યારે ભારતીય ટીમનો કોચ બનવા મરણિયો બન્યો હતો. જગમોહન દાલમિયાએ મને બોલાવીને કહ્યું કે તું છ મહિના કોચ બનીને અજમાયશ કરી જો. જોકે, તેમનું અવસાન થયું અને મારી આસપાસ તેમના જેવું બીજું કોઈ હતું પણ નહીં એટલે હું બેંગાલ ક્રિકેટ એસો.નો પ્રમુખ બની ગયો.

સૌરવે વિવાદાસ્પદ કોચ ગ્રેગ ચૅપલ સાથેના ઘર્ષણની પણ વાત કરી હતી. તેણે કહ્યું, ‘ચૅપલ સાથેના પ્રકરણથી મારી આંખ ઉઘડી ગઈ હતી અને એ પ્રકરણથી માણસ તરીકે પણ મારામાં ઘણો સુધારો આવ્યો હતો. તેમની સાથેની ઘટના પહેલાં ૧૯૯૫થી ૨૦૦૬ સુધી મારો ગ્રાફ ઉપર જ ગયો હતો. મેં એકેય સિરીઝ નહોતી ગુમાવી. હું છ વર્ષ સુધી ભારતનો કૅપ્ટન હતો. ૨૦૦૬ની સાલ સુધી મારો શ્રેષ્ઠ કાળ ચાલ્યો હતો. જોકે, બહુ ઓછા પ્લેયરો હશે જેઓ કૅપ્ટન નહીં, પણ માત્ર પ્લેયર તરીકે ટીમમાં હોય અને પછી જબરદસ્ત પ્રગતિ કરીને એક સમય એવો આવે જ્યારે તેમને ટીમમાં લેવા જેટલા યોગ્ય પણ ન ગણવામાં આવ્યા હોય.

ગાંગુલીએ વર્તમાન સુકાની વિરાટ કોહલી તેના પુરોગામી ધોનીની કેવી રીતે કાળજી લે છે એની વાત કરતા કહ્યું હતું કે ધોનીને જ જુઓ. તે ટીમનો કૅપ્ટન નથી, પરંતુ વિરાટ તેની કેવી સરસ કાળજી રાખે છે. બન્ને કેવા સરસ તાલમેલથી જવાબદારી અદા કરે છે.

 

(9:03 am IST)