Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ઇંગ્લેન્ડની ઓસ્ટ્રેલિયા પર પ્રથમ વખત ૫-૦થી જીત

સમગ્ર શ્રેણીમાં શાનદાર દેખાવ કરનાર સ્ટાર બેટ્સમેન બટલરની મેન ઓફ ધ મેચ અને સિરિઝ તરીકે પસંદગીઃ જોસ બટલરની ઝંઝાવતી બેટિંગથી જીત થઇ

માન્ચેસ્ટર,તા. ૨૫: વિકેટકિપર બેટ્સમેન જોસ બટલરની શાનદાર અણનમ સદીની મદદથી ઇંગ્લેન્ડે ઓલ્ડટ્રેફર્ડ ખાતે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પાંચમી અને અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા પર એક વિકેટે જીત મેળવી લીધી હતી. વન ડે ક્રિકેટના ઇતિહાસમાં ઇંગ્લેન્ડે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા પર ૫-૦થી જીત મેળવી છે. જોસ બટલરે અણનમ ૧૧૦ રન કર્યા હતા. જેમાં ૧૨ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. પ્રવાસી ટીમે પ્રથમ બેટિંગ કરતા ૨૦૫ રન કર્યા હતા. જેના જવાબમાં યજમાન ટીમની પણ ખરાબ શરૂઆત રહી હતી. જો કે આદિલ રશિદની સાથે મળીને જોસ બટલરે ૮૧ રનની ભાગીદારી નોંધાવી હતી. આની સાથે જ ઇંગ્લેન્ડે એક વિકેટે જીત મેળવી લીધી હતી. નાનકડા લક્ષ્યાંકનો પીછો કરતા મેદાનમાં ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે પાંચ વિકેટ એક વખતે ૫૦ રનમાં ગુમાવી દીધી હતી. જેસન રોય એક રન કરીને આઉટ થયો હતો. બેયરિસ્ટો ૧૨ રન કરીને આઉટ થયો હતો. રૂટ એક અને મોર્દન શુન્યમાં આઉટ થયા હતા. જો કે ત્યારબાદ બટલરે બાજી સંભાળી લીધી હતી. હેલ્સ માત્ર ૨૦ રન કરીને આઉટ થયો હતો. તે પહેલા મોઇન અલીની ઘાતક બોલિગની સામે પ્રવાસી ટીમ મેદાનમાં ઉતરી શકી ન હતી. ઓફ સ્પીનર અલીએ ૪૬ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જે તેનો વન ડે ક્રિકેટમાં હજુ સુધીનો શ્રેષ્ઠ દેખાવ છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પેને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ આરોન ફિન્ચે પોતાની ટીમને તોફાની શરૂઆત અપાવી હતી. હેડ અને ફિન્ચે શરૂઆતના સાત ઓવરમાં ૬૦ રન કર્યા હતા., જો કે ત્યારબાદ ઝડપથી વિકેટો પડવાની શરૂઆત થઇ હતી. એકપછી એક વિકેટ ઝડપથી ગુમાવી દેતા પ્રવાસી ટીમ ૩૪.૫ ઓવરમાં ૨૦૫ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ફિન્ચ લાંબી ઇનિગ્સ રમી શક્યો ન હતો.

(1:03 pm IST)