Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

પનામાને કચડીને ઇંગ્લેન્ડની તમામ હરિફ ટીમોને ચિમકી

ઇંગ્લેન્ડની ધડાકા સાથે આગામી દોરમાં એન્ટ્રીઃ જાપાન -સેનેગલ વચ્ચેની મેચ ૨-૨ ગોલથી બરોબર રહી કોલંબિયાનો પોલેન્ડ ઉપર ૩-૦થી શાનદાર વિજય થયો

મોસ્કો, તા. ૨૫: ફિફા વર્લ્ડકપમાં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. રવિવારના દિવસે રમાયેલી મેચોમાં એકબાજુ શક્તિશાળી ઇંગ્લેન્ડની ટીમે પનામા પર ૬-૧થી જીત મેળવી હતી. જે તેની તાજેતરના સમયની સૌથી મોટી જીત છે. ઇંગ્લેન્ડે આ મેચ મોટા અંતરથી જીતીને તમામ હરિફ ટીમોને ચેતવણી આપી દીધી છે. ઇંગ્લેન્ડના તમામ સ્ટાર ખેલાડીઓ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. અન્ય એક મેચમાં જાપાન અને સેનેગલ વચ્ચેની મેચ ૨-૨ ગોલથી બરોબર રહી હતી. ત્રીજી મેચમાં કોલંબિયાએ પોલેન્ડ પર જીત મેળવી હતી. કોલંબિયાએ આ મેચમાં ત્રણ ગોલ ફટકારી દીધા હતા. ગ્રુપ એચની એક મેચમાં પોલેન્ડ પર કોલંબિયાએ ૩-૦થી જીત મેળવી હતી. આની સાથે તેની આગામી રાઉન્ડમાં પહોંચી જવાની આશા જીવંત રહી છે. કોલંબયા તરફથી યેરી મીના, રાદામેલ અને કોડરાડો દ્વારા ગોલ કરવામાં આવ્યા હતા. જાપાન અને સેનેગલ વચ્ચેની મેચ ૨-૨થી ડ્રો રહી હતી. સારા ગોલ અંતરના કારણે જાપાન પ્રથમ સ્થાને છે. જાપાન અને સેનેગલ બન્ને ટીમોને આગામી રાઉન્ડમાં પ્રવેશ કરવા માટે આગામી મેચોની રાહ જોવી પડશે. જાપાનની ટીમ હાલમાં જોરદાર રમત રમી રહી છે. તે પહેલા શનિવારના દિવસે ટોની ક્રૂઝના ક્લાસિક ગોલની મદદથી નિર્ણાયક સમયમાં જીત મેળવીને જર્મનીએ અંતિમ ૧૬માં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી હતી. હારથી નિરાશ થયેલા સ્વિડનના કોચ એન્ડરસને જર્મનીના છેલ્લી ઘડીમાં કરવામાં આવેલા ગોલ બાદ જે રીતે ઉજવણી કરવામાં આવી તેને લઇને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. વર્તમાન ચેમ્પિયન જર્મનીએ જોરદાર ઉજવણી કરી હતી. સ્ટોપેજ ટાઇમમાં ટોની ક્રૂઝે ગોલ ફટકારાર્યો હતો. આ જીત બાદ જર્મની અંતિમ ૧૬માં પહોંચવા માટે આશાવાદી છે. જ્યારે અન્ય એક મેચમાં મેક્સિકોએ દક્ષિણ કોરિયા ઉપર ૨-૧થી જીત મેળવી હતી. મેક્સિકો સામે પ્રથમ મેચ હારી ગયા બાદ જર્મનીએ જોરદાર રમત રમી હતી અને છેલ્લી ઘડીમાં જીત મેળવીને પોતાની પ્રતિષ્ઠા બચાવી હતી. છેલ્લા ૮૦ વર્ષમાં પ્રથમ વખત પ્રથમ રાઉન્ડમાં જ બહાર નિકળી જવાનો ખતરો જર્મનીની ટીમ ઉપર તોળાઈ રહ્યો હતો પરંતુ ટોની ક્રૂઝે પોતાની ક્લાસ દર્શાવીને સાબિતી આપી હતી કે, જર્મની શા માટે નંબર વન ટીમ તરીકે છે. જ્યારે મેક્સિકોએ દક્ષિણ કોરિયા સામે જીત મેળવીને હવે ૬ પોઇન્ટ કરી લીધા છે અને તે પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાન ઉપર છે. બેલ્જિયમે આક્રમક રમત રમીને ટ્યુનિશિયા પર ૫-૨થી જીત મેળવી હતી. ફિફા વર્લ્ડકપની શરૂઆતી મેચોમાં કેટલાક ઉલટફેર જોવા મળી રહ્યા છે. પ્રથમ વખત રમી રહેલી ટીમોનો દેખાવ જોરદાર રહ્યો છે. મોટી ટીમના ખેલાડી પણ નવર્સ દેખાઈ રહ્યા છે. યજમાન રશિયાની ચમત્કારિક રમત જોવા મળી રહી છે. રોનાલ્ડોમાં ફોર્મમા દેખાઈ રહ્યો છે જ્યારે મેસ્સી ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. આ વર્લ્ડકપમાં રમાયેલી હજુ સુધીની ૨૭ મેચોમાં એવી કોઇ મેચ રહી નથી જેમાં ગોલ થયો નથી. દરેક મેચમાં ગોલ થયા છે અને આની સાથે જ ૬૪ વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે. છેલ્લો ૧૯૫૪માં વર્લ્ડકપમાં શરૂઆતી ૨૬ મેચોમાં ગોલ થયા હતા. ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી ૩૨ ટીમો પૈકી ૧૬ ટીમો પ્રથમ રાઉન્ડમાં જ બહાર નિકળી જનાર છે. શરૂઆતના ૧૦ દિવસમાં નવ ટીમોનું ભાવિ નક્કી થઇ ગયું છે. આર્જેન્ટીનાની ટીમ નિરાશાજનક દોરમાંથી પસાર થઇ રહી છે.હાલમાં તમામ ટીમો પોતાની રીતે પ્રયાસ કરી રહી છે.

(12:54 pm IST)