Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

વિદેશોમાં સારો દેખાવ જોતા કહી શકું કે હું શ્રેષ્ઠ છું: રવિચંદ્રનઅશ્વિન

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ સ્ટાર સ્પિનરનો દાવો : મને ખબર ન હતી કે હું પ્રથમ ટેસ્ટથી રમવાનો છું, પણ જાડેજાની હેમસ્ટ્રિંગમાં ઈજા થતાં મને રમવાની તક મળી

ચેન્નઈ, તા. ૨૫ :  ભારતનો સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ટીમ સાથે ઘણી વખત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયો છે. જોકે, તાજેતરમાં જ પૂરો થયેલો ઓસ્ટ્રેલિયા પ્રવાસ તેના માટે સૌથી યાદગાર બની રહ્યો છે. આ પ્રવાસમાં ૩૪ વર્ષીય અશ્વિન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના બે સ્ટાર બેટ્સમેનો માર્નસ લાબુશેન અને સ્ટિવ સ્મિથ માટે જોખમી બન્યો હતો, તથા બેટ વડે પણ તેને અદ્દભુત પ્રદર્શન કર્યું હતું.

અશ્વિને રવિવારે પત્રકારો સાથેની વાતચીતમાં આ ઐતિહાસિક પ્રવાસ તથા સ્મિથ અને અન્ય ખેલાડીઓ સાથે તેની સ્પર્ધાની વાત કરી હતી. શું ઓસ્ટ્રેલિયાએ ભારતની બેન્ચસ્ટ્રેન્થને હળવાશથી લીધી હતી તે પ્રશ્નના જવાબમાં અશ્વિને કહ્યું હતું કે, હું ખાતરીપૂર્વક કહી શકું નહીં. મને વ્યક્તિગત રીતે લાગે છે કે તેઓ જાણતા હતા કે સમગ્ર શ્રેણીમાં અમારા બોલર્સ તેમને પડકાર આપવાના છે. ૩૬ રનમાં આઉટ થઈ ગયા બાદ અમે વળતો પ્રહાર કરવાનો રસ્તો શોધી લીધો હતો.

અશ્વિન પહેલા પણ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડી ચૂક્યો છે પરંતુ શું આ પ્રવાસ સૌથી યાદગાર છે? તેના જવાબમાં તેણે કહ્યું હતું કે, જો હું ભૂતકાળમાં જોવું તો હું કહીશ કે ચોક્કસથી આ શ્રેષ્ઠ છે. પ્રામાણિકતાથી કહું તો મને ખબર ન હતી કે હું પ્રથમ ટેસ્ટથી જ રમવાનો છું. પરંતુ રવીન્દ્ર જાડેજાની હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી અને તેથી મને પ્રથમ ટેસ્ટમાં રમવાની તક મળી હતી. ૨૦૧૮-૧૯નો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પણ સારો રહ્યો હતો પરંતુ છેલ્લા ત્રણ વર્ષની તુલના કરશો તો ચોક્કસથી ૨૦૨૦-૨૧ શ્રેષ્ઠ છે.

પોતાની બેટિંગ અંગે બોલતા તેણે કહ્યું હતું કે, ૨૦૧૬મા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસથી મારી બેટિંગ ક્ષમતા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે હું ત્રણેય ફોર્મેટમાં રમું છું. જ્યારથી હું ફક્ત ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છું ત્યારથી મારી બેટિંગમાં પણ સુધારો થયો છે. જો તમે ફક્ત મારી બેટિંગ સ્કિલથી મારુ મૂલ્યાંકન કરશો તો એકાદ-બે ઈનિંગ્સ મને સિરીઝમાંથી બહાર કરવા માટે પૂરતી છે. મને લાગે છે કે તે યોગ્ય નથી. હું ટીમમાં મારા સ્થાન માટે લડવા ઈચ્છું છું અને જ્યારે હું તેમ કરું છું ત્યારે મારે મારી પ્રાથમિક સ્કિલને વધારે શ્રેષ્ઠ બનાવવાની જરૂર છે અને તે છે વિકેટો ઝડપવાનું. છેલ્લા બે વર્ષમાં એસઈએનએ (સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા) પ્રવાસમાં મને લાગે છે કે મેં એવું પ્રદર્શન કર્યું છે જેનાથી હું કહી શકું છું કે હું શ્રેષ્ઠ સ્પિનર છું. વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેની કેપ્ટનશિપ અંગે પૂછતા અશ્વિને કહ્યું હતું કે, કેપ્ટનશિપ અંગેની આવી તુલના અંગે મને ક્યારેય સમજ પડી નથી. મને લાગે છે કે પ્રતિભાશાળી ખેલાડીઓ અને ડ્રેસિંગ રૂમમાં ઉમદા વ્યક્તિઓના કારણે ભારતીય ટીમે છેલ્લા ઘણા સમયથી શ્રેષ્ઠ પરિણામો મેળવ્યા છે. વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેના સ્વભાવમાં ફરક છે પરંતુ કેપ્ટનશિપ મોટા ભાગે એક સમાન છે.

(9:53 pm IST)
  • દિલ્હીમાં કેજરી સરકારને ઘેરાબંધીઃ ૨૬ હજાર કરોડનો હિસાબ આપોઃદિલ્હીમાં એક સાથે ૨૦૦૦ જગ્યાએ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કેજરીવાલ સરકારને આજે ઘેરાબંધી થઇ રહી છે. દિલ્હીમાં જલ બોર્ડ દ્વારા ૨૬ હજાર કરોડના કથીત ગોટાળા અંગે કેજરીવાલ સરકારનો ભાજપ હિસાબ માંગી રહેલ છે. access_time 11:47 am IST

  • માઉન્‍ટ આબુમાં તાપમાન માઇનસ-૨ પર પહોંચ્‍યું : માઉન્‍ટ આબુમાં ઘરની બહાર ભરીને મુકેલું પાણી પણ બરફ બની ગયું: પ્રવાસીઓ સવારે વહેલા બરફ જોવા હોટલમાંથી બહાર નીકળ્‍યા access_time 4:47 pm IST

  • ડેઈલી કોરોના કેસમાં જબરો ઘટાડો: લાંબા સમય પછી ૧૦ હજારથી ઓછા કેસ નોંધાયા : ભારતમાં મોડી રાત્રે કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. લાંબા સમય પછી એક દિવસમાં કોરોના કેસોનો આંક ૧૦ હજારની નીચે ચાલ્યો ગયો છે (ન્યુઝફર્સ્ટ) access_time 12:29 am IST