Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

કોમનવેલ્થ ગેમમાં બળાત્કારના આરોપી સૌમ્યજીત ઘોષ નહીં રમે

નવી દિલ્હી:  કોલકાતામાં ૧૮ વર્ષીય યુવતીએ નોંધાવેલી બળાત્કારની ફરિયાદ બાદ ઓલ ઈન્ડિયા ટેબલ ટેનિસ ફેડરેશને ટોચના ખેલાડી સૌમ્યજીત ઘોષને સસ્પેન્ડ કરી દીધો છે. જેના પરીણામે હવે તે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શકશે નહી. અગાઉ ઓલ ઈન્ડિયા ટેનિસ ફેડરેશને સ્ટેન્ડબાય તરીકે પસંદ કરેલા જી.સાથીયનને કોમનવેલ્થ ગેમ્સમાં મોકલવા રજુઆત કરી હતી. જોકે ભારતીય ઓલિમ્પિક સંઘે આ પ્રકારે રિપ્લેસમેન્ટનો નિયમ જ ન હોવાનો ખુલાસો કર્યો હતો. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે, તેમની એક્ઝિક્યુટીવ બોડીની મિટિંગમાં સૌમ્યજીતને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જ્યાં સુધી આ કેસમાં ચૂકાદો નહિ આવી જાય ત્યાં સુધી તે સસ્પેન્ડ રહેશે. જેના કારણે તે કોઈ પણ સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહિ.  જોકે આ મામલે સૌમ્યજીતે પોતે નિર્દોષ હોવાની દલીલ કરી હતી અને કહ્યું હતુ કે, તે યુવતી મને બ્લેકમેઈલ કરી રહી હતી અને મેં તેની શરતો ન માની એટલે મારી કારકિર્દીને રોળવા માટે તેણે આ હીન પ્રયાસ કર્યો છે. દરમિયાનમાં સૌમ્યજીતના સ્થાને ભારત અન્ય કોઈ ખેલાડીને ગેમ્સમાં ભાગ લેવા મોકલી શકશે કે કેમ તે અંગે સસ્પેન્શ છે.

(6:06 pm IST)