Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

અક્ષર પટેલની 6 વિકેટ, અશ્વિને 3 વિકેટ ઝડપી : પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ 112 રનમાં ઓલ આઉટ

ભારતીય ક્રિકેટ ટીમ પિંક બોલ ટેસ્ટમાં ત્રણ સ્પિનર સાથે મેદાનમાં ઉતરી

અમદાવાદ : ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં લચર પ્રદર્શન કર્યુ છે. ઇંગ્લેન્ડની પુરી ટીમ માત્ર 112 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતીય સ્પિનર્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શાનદાર દેખાવ કર્યો હતો. અક્ષર પટેલે 6 વિકેટ જ્યારે ઓફ સ્પિનર અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. 100મી ટેસ્ટ રમી રહેલા ઇશાંત શર્માને પણ એક સફળતા મળી હતી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ મુકાબલો ડે-નાઇટ છે અને ગુલાબી બોલથી મેચ રમાઇ રહી છે. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો પરંતુ ભારતીય બોલરોએ તેના નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો.

ઇંગ્લેન્ડ તરફથી ઓપનિંગ કરવા આવેલા જેક કાર્લે અને સિંબલે જલ્દી આઉટ થઇ ગયા હતા. સિંબલેને ઇશાંત શર્માએ શરૂઆતમાં જ આઉટ કરી પેવેલિયન મોકલી દીધો હતો. તે બાદ બેરિસ્ટો પણ અક્ષર પટેલની ઓવરમાં બોલ્ડ થયો હતો. તે બાદ ઇંગ્લેન્ડનો કોઇ પણ બેટ્સમેન ચાલી શક્યો નહતો. જોકે, એક છેડે કાર્લે થોડી વાર સુધી ઉભો રહ્યો હતો અને પોતાની ટીમ માટે 53 રન બનાવ્યા હતા.

ભારત તરફથી અક્ષર પટેલે તરખાટ મચાવતા 38 રન આપીને છ વિકેટ ઝડપી હતી. અશ્વિને 26 રન આપીને 3 વિકેટ ઝડપી અને પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહેલા ઇશાંત શર્માએ 26 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

ભારતીય ક્રિકેટ ટીમ પિંક બોલ ટેસ્ટમાં ત્રણ સ્પિનર સાથે મેદાનમાં ઉતરી હતી. વિરાટ કોહલીએ આર.અશ્વિન, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરને મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે ઇંગ્લેન્ડ એક સ્પિનર અને ત્રણ સિમર્સ સાથે મેદાનમાં ઉતર્યુ છે.

(8:25 pm IST)