Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

ભારત અને શ્રીલંકા વચ્ચે કાલથી બીજી ટેસ્ટ મેચ

નાગપુરમાં જીતના ઇરાદા સાથે ટીમ ઉતરશે : સતત ક્રિકેટ ટેસ્ટ શ્રેણી યોજવાને લઇ વિરાટ દ્વારા ક્રિકેટ બોર્ડની ટિકા : સ્ટાર ખેલાડીઓ ઉપર નાગપુરમાં નજર

નાગપુર, તા. ૨૩ : નાગપુરના મેદાન ઉપર આવતીકાલથી ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ ભારત સહેજમાં જીતથી વંચિત રહી ગયું હતું. બીજી ટેસ્ટ મેચ આવતીકાલથી શરૂ થઇ રહી છે ત્યારે આ ટેસ્ટ મેચને લઇને વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા સજ્જ છે. બીજી બાજુ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સતત ક્રિકેટ શ્રેણીનું આયોજન કરવાને લઇને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની ઝાટકણી કાઢી છે. તેનું કહેવું છે કે, કોઇપણ શ્રેણીની તૈયારી માટે સમયની જરૂર હોય છે. સિરીઝની તૈયારી કરવા માટે ઓછામાં ઓછો એક મહિનાનો સમય હોવો જોઇએ પરંતુ અમને નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ જ તૈયારી કરવાની  રહે છે.  અત્રે નોંધનીય છે કે, કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. ભારતીય ટીમ જીતની બિલકુલ નજીક પહોંચીને જીતથી વંચિત રહી જતા ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. પાંચમા અને અંતિમ દિવસે જ્યારે ખરાબ રોશનીના કારણે રમત રોકી દેવામાં આવી ત્યારે ભારતે ખુબ મજબુત સ્થિતી મેળવી લીધી હતી. શ્રીલંકાએ સાત વિકેટ ૭૫ રનમાં ગુમાવી દીધી હતી. ૨૩૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમ ભારે મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. પ્રથમ ઇનિગ્સમાં ચાર વિકેટ ઝડપનાર ભુવનેશ્વર કુમારે બીજી ઇનિગ્સમાં પણ ચાર વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સામીએ બે અને ઉમેશ યાદવે એક વિકેટ ઝડપી હતી. છેલ્લા પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે મેચોની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ૨૫ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતે આઠ ટેસ્ટ મેચો જીતી છે. ૯ ટેસ્ટ મેચો ડ્રો થઇ છે. આઠ ટેસ્ટ મેચોમાં ભારતની પણ હાર થઇ છે. એકંદરે ૨૫ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે. હેડ ટુ હેડની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ખુબ રોમાંચક ઇતિહાસ રહ્યો છે. ૨૦મી ઓગસ્ટ ૨૦૧૫ અને ૧૪મી ઓગસ્ટ ૨૦૧૭ વચ્ચેના ગાળામાં છેલ્લી છ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતની જીતનો દેખાવ શાનદાર રહ્યો છે. બીજી બાજ ભારતમાં શ્રીલંકા સામે ૧૮ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે જે પૈકી ભારતે ૧૦ ટેસ્ટ મેચોમાં જીત મેળવી છે જ્યારે બાકીની આઠ ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી છે. ભારતીય ટીમ હાલમાં ખુબ શાનદાર દેખાવ કરી રહી છે. બીજીબાજુ શ્રીલંકન ટીમ પણ હાલમાં યુએઇમાં પાકિસ્તાન સામે સારો દેખાવ કરીને અહીં પહોંચી છે.

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, મુરલી વિજય, શિખર ધવન, ચેતેશ્વર પુજારા, અજિક્ય રહાણે, રોહિત શર્મા, રિદ્ધિમાન સહા (વિકેટકીપર), રવિચંદ્ર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સામી, ઉમેશ યાદવ,ભુવનેશ્વર કુમાર અને ઇશાંત શર્મા

શ્રીલંકા : દિનેશ ચાંદીમલ (કેપ્ટન), દિમુથ કુરુરત્ને, સદીરા સમરાવિક્રમ, લાહીરુ થિરિમાને, નિરોશન ડિકવેલ (વિકેટકીપર), દિલરુવાન પરેરા, રંગના હૈરાથ, સુરંગા લકમલ, નાહિરુ ગમાગે, ધનંજય ડિસિલ્વા, એન્જલો મેથ્યુસ, લક્ષ્મણ સંદકાના, વિશ્વ ફર્નાન્ડો, સનાકા, રોશન સિલ્વા

 

(7:30 pm IST)