Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

એશિશમાં સફળતા માટે ઇંગ્લૅન્ડને ભરપૂર વિશ્ર્વાસ છે: ઑસ્ટ્રેલિયન કોચ બેલિસ

બ્રિસ્બેન: કોચ ટ્રેવર બેલિસે કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયાની શરૂઆતથી જ સારી અને સખત રમત રમવાની આશા કરાતી હોવા છતાં, આગામી એશિશ સિરીઝમાં આ અઠવાડિયે બ્રિસ્બેન ખાતે રમાનારી આરંભિક ટેસ્ટ મેચમાં પોતાની સફળતા માટે ઈંગ્લેન્ડની ટીમને ઘણો વિશ્ર્વાસછે.
ગૅબાના મેદાન પરની પહેલી ટેસ્ટ પૂર્વે પ્રવાસી ટીમ ત્રણ પ્રેક્ટિસ મેચમાં રમી છે અને સ્ટીવ સ્મિથની ટીમ સામે આગામી એશિશ સિરીઝમાં ઈંગ્લેન્ડના સારા દેખાવ માટે ઑસ્ટ્રેલિયન કોચ બેલિસ આશા કરી રહ્યા છે.

૨૦૧૫માં ઘરઆંગણે રમાયેલી છેલ્લી શ્રેણી ૩-૨થી જીતી ઈંગ્લેન્ડ તેની પાસે એશિશ ધરાવે છે, પણ છેલ્લી વેળા ઑસ્ટ્રેલિયામાં ૨૦૧૩-૧૪માં રમાયેલી શ્રેણીમાં અંગ્રેજ ટીમનો ૫-૦થી શ્રેણી હારી જવામાં પૂરો રકાસ થયો હતો.

બેલિસે અહીં પત્રકારોને કહ્યું હતું કે પ્રેક્ટિસ મેચો રમ્યા પછી ઈંગ્લેન્ડ ગુરુવારથી ગૅબાના મેદાન પર શરૂ થતી પહેલી ટેસ્ટમાં તેના દેખાવમાં સુધારો કરી હરીફ ટીમને મોટો આંચકો આપવાનો વિશ્ર્વાસ ધરાવે છે.

ઑસ્ટ્રેલિયાની ટીમે ગૅબાના મેદાન પરની કોઈ ટેસ્ટ નવેમ્બર ૧૯૮૮થી હારી નથી અને ઈંગ્લેન્ડનો ત્યાં છેલ્લો વિજય ૩૧ વર્ષ અગાઉ થયો હતો.

ઈંગ્લેન્ડે બ્રિસ્બેન ખાતે રમેલી કુલ ૨૦ ટેસ્ટ મેચમાંથી ફક્ત ચાર જીતી છે, જેમાં ૧૯૩૦ના દશકામાં બે વાર વિજય થયો હતો અને ૧૯૭૮-૭૯માં કેરી પેકર સામે નબળી પડી ગયેલી ઑસ્ટ્રેલિયાની ટીમ સામે તેનો વિજય થયો હતો તથા છેલ્લી વાર ૧૯૮૬માં તેણે ત્યાં સફળતા પ્રાપ્ત કરી હતી.

બેલિસે કહ્યું હતું કે આગામી એશિશ સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમની તૈયારીથી તેમને સંતોષ થયો છે.

 

(8:51 am IST)