Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

હૉંગકૉંગ સુપર સિરીઝ બેડ્મિન્ટનમાં સાઈના, સિંધુ, પ્રણોય બીજા રાઉન્ડમાં

કોવલૂન: ભારતીય ખેલાડીઓ સાઈના નેહવાલ, પી. વી. સિંધુ અને એચ. એસ. પ્રણોયે અહીં ૪૦૦,૦૦૦ અમેરિકન ડૉલરની હૉંગકૉંગ ઓપન સુપર સિરીઝ બેડ્મિન્ટનમાં બીજા રાઉન્ડમાં આગેકૂચ કરી હતી. પણ પરુપલ્લી કશ્યપ તથા સૌરભ વર્મા આરંભિક રાઉન્ડની મેચમાં નિષ્ફળ રહ્યા હતા.

લંડન ઑલિમ્પિક રમતોત્સવની કાંસ્યચંદ્રક વિજેતા સાઈનાએ સ્પર્ધામાં પોતાની પ્રભાવશાળી રમત વડે ડેન્માર્કની વિશ્ર્વની ૪૪મા ક્રમની મેટ પોલસનને ૨૧-૧૯, ૨૩-૨૧થી ૪૬ મિનિટની રમતમાં પરાજય આપ્યો હતો.

વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પણ કાંસ્યચંદ્રક જીતેલી વિશ્ર્વની ૧૧મી ક્રમાંકિત સાઈના હવે ચીનની આઠમી ક્રમાંકિત ચેન યુફી સામે રમશે કે જેણે ગયા ઑગસ્ટમાં ગ્લાસગોવ ખાતેની તે સ્પર્ધામાં બીજો કાંસ્યચંદ્રક જીત્યો હતો.

ઑલિમ્પિકની સિલ્વર મૅડલિસ્ટ સિંધુએ બીજી ક્રમાંકિત તરીકે રમતા આયોજક રાષ્ટ્રની લીયુન્ગ યુએટ યિ સામે ૨૧-૧૮, ૨૧-૧૦થી વિજય મેળવ્યો હતો અને તેનો મુકાબલો જાપાનની એયા ઓહરી અથવા રશિયાની એવજેનિયા કોસેટસ્કાયા સામે હવે પછીના રાઉન્ડમાં થશે.

પુરુષોની સિંગલ્સ હરીફાઈમાં પ્રણોયે હૉંગકૉંગના હુ યુન સામે ૧૯-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૫થી એક કલાકથી થોડા વધુ સમય લાંબી મેચમાં વિજય મેળવ્યો હતો.

કોમનવેલ્થ રમતોત્સવના વિજેતા કશ્યપનો પહેલી ગેમ જીતવા પછી કોરિયાના લી ડોન્ગ ક્યુન સામે એક કલાક અને નવ મિનિટ લાંબી મેચમાં ૨૧-૧૫, ૯-૨૧, ૨૦-૨૨ના નજીકના તફાવતે છેવટે પરાજય થયો હતો.

સૌરભ ઈન્ડોનેશિયાના ટોમી સુજિયાન્ટો સામે ૧૫-૨૧, ૮-૨૧થી હારી જતા સ્પર્ધામાંથી બાકાત થઈ ગયો હતો.

 

(8:51 am IST)