Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

એશિયન ગેમ્સ : કબડ્ડીમાં ભારતની ઇરાન સામે હાર

પ્રથમ વખત જ કબડ્ડીમાં હાર થતાં મોટો ફટકોઃ શૂટર શાર્દૂલને પુરુષોની ડબલ ટ્રેપમાં સિલ્વર મેડલ મળ્યો

જાકાર્તા, તા. ૨૩: ઇન્ડોનેશિયામાં એશિયન ગેમ્સમાં ભારતનો શાનદાર દેખાવ જારી રહ્યો છે. જો કે, આજે પુરુષની કબડ્ડી ટીમ પરાજીત થઇ જતાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. કબડ્ડીની સ્પર્ધામાં ભારતનું હંમેશા પ્રભુત્વ રહ્યું છે. પ્રથમ વખત પુરુષોની ટીમ ફાઈનલમાં પહોંચી શકી નથી. સેમિફાઇનલમાં ઇરાનની સામે ભારતની ૧૮-૨૭થી હાર થઇ હતી. એશિયન ગેમ્સમાં આ પહેલી વખત છે કે ભારતીય પુરૂષ કબડ્ડની ટીમ ગોલ્ડ મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. એશિયન ગેમ્સમાં કબડ્ડીને ૧૯૯૦માં સામેલ કરવામાં આવી હતી. ત્યારથી લઈને ૨૦૧૪ ઇંચિયોન એશિયાડ સુધી ભારતીય પુરૂષ ટીમે ગોલ્ડ મેડલ જ જીત્યો છે, પરંતુ આ વખતે ગોલ્ડ મેળવવાનું સપનું તૂટી ગયું છે. તો ભારતીય મહિલા ટીમે સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીતવાની આશા કાયમ રાખી. તેઓએ સેમીફાઈનલમાં ચીની તાઇપેને ૨૭-૧૪થી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે.પહેલા હાફમાં ભારતે સકારાત્મક શરૂઆત કરી અને ૬-૧થી બઢત બનાવી હતી. જે બાદ ઈરાને જોરદાર ડિફેન્સ કરતાં સુપર ટેકલ કર્યા જેના પરિણામે પહેલો હાફ ૯-૯ની બરાબરી પર રહ્યો.બીજા હાફમાં ભારતે ૧૪-૧૧થી શરૂઆતી બઢત બનાવી પરંતુ ઈરાનના ડિફેન્સે વિશ્વના સૌથી ઉમદા એટેકને તોડતાં વળતી ટક્કર આપી અને મેચ ૨૭-૧૮થી પોતાને નામે કર્યો.ભારતીય પુરૂષ ટીમ ૭ વખત એશિયન ગેમ્સમાં કબડ્ડીની ચેમ્પિયન રહી છે. ૨૦૧૮ એશિયન ગેમ્સમાં સેમીફાઈનલમાં ઈરાનની સામે ભારતીય ટીમની એક ન ચાલી અને તેઓ ગોલ્ડ મેડલની દોડમાંથી બહાર થઈ ગયાં. હવે ફાઈનલમાં ઈરાનનો મુકાબલો દક્ષિણ કોરિયા સામે થશે, જેને પાકિસ્તાનને સેમીફાઈનલમાં હરાવ્યું હતું. ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે હવે બ્રોન્ઝ મેડલ માટે જોરદાર ટક્કર થશે. બીજી બાજુ ૧૫ વર્ષીય ભારતીય શૂટર શાર્દૂલ વિહાને પુરુષોની ડબલ ટ્રેપ સ્પર્ધામાં સિલ્વર જીતવામાં સફળતા મેળવી હતી. અંકિતા રૈના હારી ગઈ હતી જેથી તેને બ્રોન્ઝથી સંતોષ માનવાની ફરજ પડી હતી. પુરુષોની ડબલ્સ ટેનિસમાં ભારતના પડકારનો અંત આવ્યો હતો. કારણ કે, ભારતની જોડી રોહન બોપન્ના અને અંકિતા રૈનાની જોડી હારી ગઈ હતી.

(10:13 pm IST)