Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

લોકોએ અમારામાં વિશ્વાસ કરવાનું મૂકી દીધું છે અમે નહીં: કોહલી

નવી દિલ્હી:ભારતે ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૨૦૩ રને પરાજય આપીને તમામ ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી. પાંચ ટેસ્ટની સિરીઝમાં ભારતનો આ પહેલો વિજય હતો. મહત્ત્વની વાત એ છે કે, ભારતે ૧૧ વર્ષ બાદ નોટિંગહામમાં ઈંગ્લેન્ડ સામે વિજય મેળવ્યો છે. આ પહેલાં ૨૦૦૭માં રાહુલ દ્રવિડના સુકાનપદ હેઠળ ભારતે અહીંયા સાત વિકેટથી વિજય મેળવ્યો હતો. ત્યારબાદ ૨૦૧૧માં ધોનીની કેપ્ટનશિપ હેઠળ ભારતને પરાજય મળ્યો હતો. ૨૦૧૪માં ફરીથી મુકાબલો ડ્રો ગયો હતો. તે વખતે પણ ધોની જ સુકાની હતો. ૧૧ વર્ષ બાદ કોહલીના સુકાનપદ હેઠળ ભારત વિજયી બન્યું છે. વિજય બાદ વિરાટે પોતાના ઈનિંગને પોતાની પત્નીને સર્મિપત કરી હતી. તેણે જણાવ્યું કે, અનુષ્કાએ મારામાં વિશ્વાસ રાખ્યો અને મને સતત પ્રોત્સાહિત કર્યો હતો. બીજી તરફ તેણે ટીમના ટિકાકારોને પણ જણાવ્યું હતું કે, લોકોએ અમારામાં વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું હતું પણ અમે તો વિશ્વાસ રાખ્યો જ હતો.ઉલ્લેખનીય છે કે, ટોસ હારીને પહેલી બેટિંગ માટે ઊતરેલી ટીમ ઈન્ડિયાએ પોતાની  પહેલી ઈનિંગમાં ૩૨૯ રન બનાવ્યા હતા. તેના જવાબમાં યજમાન  ઈંગ્લેન્ડની ટીમ ૧૬૧ રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારતે પહેલી  ઈનિંગમાં ૧૬૮ રનની લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ બીજી  ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ ફરી મજબૂત બેટિંગ કરી અને સાત વિકેટના  નુકસાને ૩૫૨ રન બનાવ્યા હતા. સાત વિકેટ પડયા બાદ ટીમે ઈંગ્લેન્ડ  સામે ૫૨૧ રનનો વિશાળ લક્ષ્યાંક મૂકીને પોતાની ઈનિંગ ડિક્લેર  કરી હતી. આ વિશાળ સ્કોરનો સામનો કરવા દરમિયાન ઈંગ્લેન્ડની  ટીમ ૩૧૭ રને સમેટાઈ ગઈ હતી. આ સાથે જ ભારતનો ઈંગ્લેન્ડ સામે  ૨૦૩ રને ભવ્ય વિજય થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલે ૧૦૬  જ્યારે સ્ટોક્સે ૬૦ રન નોંધાવીને પાંચણી વિકેટ માટે ૧૬૯ રનની  વિશાળ ભાગીદારી નોંધાવી હતી.

(5:15 pm IST)