Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

કેમેરાથી દૂર રહીને કરેલી મહેનતને કારણે મળી છે સફળતા : બુમરાહ

ઈજા બાદ વાપસી કરતા ભારતીય ફાસ્ટ બોલરે પાંચ વિકેટ લઈને કરાવી ટીમને ટેસ્ટમાં વાપસી

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈજા બાદ શાનદાર વાપસી અને ટેસ્ટ-ક્રિકેટમાં બીજી વખત પાંચ વિકેટ લેવાની સિદ્ઘિનું શ્રેય કેમેરાથી દૂર રહીને કરવામાં આવેલી સખત મેહનત અને ફિટનેસને આપ્યું છે. બુમરાહે બીજી ઇનિંગ્સમાં ૮૫ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તેણે કહ્યું હતું કે જયારે મેં ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું ત્યારે ત્યારેમારો પહેલો સ્પેલ દસ ઓવરનો હતો. હું રણજી ટ્રોફીમાં હંમેશાં વધુ ઓવર નાખતો હતો, જેનો મને ફાયદો થયો હતો.

બુમરાહે કહ્યું હતું કે જયારે ઈજાગ્રસ્ત હતો ત્યારે મેં મારી ફિટનેસ અને પ્રેકિટસ પર ધ્યાન આપ્યું. હું હંમેશાં મારા ટ્રેઇનરના સંપર્કમાં રહ્યો હતો જેથી વાપસી કરતી વખતે સારી સ્થિતિમાં રહું.ભારતના આ ફાસ્ટ બોલરે બીજી વખત ટેસ્ટની ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી, જેને કારણે ભારતે પાંચ મેચોની ટેસ્ટ-સિરીઝમાં ત્રીજી મેચ જીતીને વાપસી કરી હતી.

બુમરાહે કહ્યું હતું કે તમને કંઈ પણ વસ્તુ સરળતાથી નથી મળતી. તમારે એની પાછળ સખત મહેનત કરવી પડતી હોય છે. કેમેરાથી દૂર રહીને અમે જે મહેનત કરતા હોઈએ છીએ એની સફળતા આવા દિવસો દરમ્યાન જોવા મળે છે.

ઇંગ્લેન્ડનો સ્કોર એક સમયે ચાર વિકેટે ૬૨ રનનો હતો. ત્યાર બાદ જોસ બટલર અને બેન સ્ટોકસ વચ્ચે ૧૬૯ રનની પાર્ટનરશિપ થઈ હતી. બુમરાહે કહ્યું હતું કે મર્યાદિત ઓવરોની મેચમાં તમે ચતુરાઈથી બેટ્સમેનોને ચકમો આપો છે, પરંતુ ટેસ્ટમાં સંયમ અને સાતત્ય જાળવવું જરૂરી છે. મારું ધ્યાન એના પર જ હતું.

(4:05 pm IST)