Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

ભારત અને ઇંગ્‍લેન્‍ડ વચ્‍ચે અત્‍યાર સુધીમાં 100 વન-ડે મેચ રમાઇઃ વિજયની ટકાવારી ભારતની વધારે

નવી દિલ્લી: ટેસ્ટ અને ટી-20 સિરીઝમાં શાનદાર જીત પછી વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા હવે ત્રણ વન-ડે મેચની સિરીઝમાં ઈંગ્લેન્ડના પડકારનો સામનો કરવા તૈયાર છે. બંને દેશ વચ્ચે 23 માર્ચે પુણેમાં સિરીઝની પહેલી મેચ રમાશે. ઈંગ્લેન્ડ આ સમયે દુનિયાની નંબર વન વન-ડે ટીમ છે. જ્યારે ભારત બીજા નંબર પર છે. તેમ છતાં 50 ઓવરની ક્રિકેટ મેચમાં ભારતનું પલડું યજમાન ટીમ પર વધારે ભારે છે. બંને વચ્ચે કુલ 100 વન-ડે મેચ રમાઈ છે. અને તમાં ભારતની જીતની ટકાવારી 55.67 ટકા છે. જ્યારે ઈંગ્લેન્ડની ટકાવારી 44.32 ટકા છે. 100 વન-ડે મેચમાં જ્યાં ઈંગ્લેન્ડે 42 મેચ જીતી છે. તો ભારતે 53 મેચ જીતી છે. જ્યારે બે મેચ ટાઈ રહી છે અને 3 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. બંનેની વચ્ચે છેલ્લી વન-ડે મેચ 30 જૂન 2019ના રોજ રમાઈ હતી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વન-ડેમાં સર્વોચ્ય સ્કોર:

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે વન-ડેમાં મેચમાં સર્વોચ્ય સ્કોરનો રેકોર્ડ ભારતના નામે છે. ભારતે બે વખત સૌથી વધારે રનનો ઢગલો કર્યો છે. જેમાં ભારતે 14 નવેમ્બર 2008માં રાજકોટમાં 5 વિકેટે 387 રન અને 19 જાન્યુઆરી 2017માં કટકમાં 6 વિકેટે 381 રન બનાવ્યા હતા. જ્યારે ભારત સામે ઈંગ્લેન્ડનો સર્વોચ્ય સ્કોર 8 વિકેટે 366 રનો છે. તે 19 જાન્યુઆરી 2017માં કટકમાં બનાવ્યો હતો.

સૌથી ઓછો સ્કોર:

બંને દેશની વચ્ચે સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે છે. ઈંગ્લેન્ડની ટીમ 15 ઓક્ટોબર 2006ના રોજ જયપુરમાં 125 રનમાં સમેટાઈ ગઈ હતી. જ્યારે ભારતનો સૌથી ઓછો સ્કોર 3 વિકેટે 132 રનનો છે. જે તેણે 7 જૂન 1975માં લોર્ડ્સના મેદાન પર લક્ષ્ય હાંસલ કરતા બનાવ્યો હતો.

સૌથી મોટી જીત:

બંને દેશની વચ્ચે વન-ડે ક્રિકેટમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે છે. તેણે 7 જૂન 1975માં ભારત સામે 202 રનથી જીત મેળવી હતી. જ્યારે ભારતની ઈંગ્લેન્ડ સમે સૌથી મોટી જીત 158 રનની છે. જે તેણે 14 નવેમ્બર 2008માં રાજકોટમાં મેળવી હતી.

સૌથી નજીવા અંતરથી જીત:

ઈંગ્લેન્ડ ત્રણ વખત ભારત સામે નજીવા અંતરથી મેચ જીત્યું. 27 ડિસેમ્બર 1984માં કટકમાં એક રનથી, 31 જાન્યુઆરી 2002માં 2 રનથી અને 3 ફેબ્રુઆરી 2002માં 5 રનથી ઈંગ્લેન્ડે મેચ જીતી. જ્યારે ભારતની રોમાંચક જીત 23 જૂન 2013માં 5 રનથી રહી.

સૌથી વધારે રન:

બંને દેશની વચ્ચે વન-ડે મેચમાં સૌથી વધારે રન મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. ધોનીના નામે ઈંગ્લેન્ડ સામે 1564 રન છે. સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેનમાં શરૂઆતના 5 નંબર પર ભારતનો કબ્જો છે. જ્યારે છઠ્ઠા ક્રમે ઈયાન બેલ છે. જેણે 31 મેચમાં 1163 રન બનાવ્યા.

સૌથી વધારે વિકેટ:

સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ જેમ્સ  એન્ડરસનના નામે છે. જેણે ભારત સામે 31 વન-ડે મેચમાં 40 વિકેટ લીધી છે. તો બીજા નંબરે રવીન્દ્ર જાડેજા છે. જેણે 22 મેચમાં 37 વિકેટ લીધી છે.

(4:41 pm IST)