Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ચેસ ચેમ્પિયનશિપના કામસૂત્ર જેવા લોગોથી વિવાદ

આવતા વર્ષે નવેમ્બરમાં લંડનમાં વર્લ્ડચેસ ચેમ્પિયનશીપ રમાનાર છે

મુંબઇ તા.૨૨: ગ્લેમરથી દૂર રહેનારી ચેસની રમતને લઇને એક વિવાદ સર્જાયો છે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ ૨૦૧૮નો લોગો લોન્ચ થયો હતો, જે બહાર આવતાં સમગ્ર દુનિયામાં એની ટીકા થઇ રહી છે. ઘણા ગ્રેન્ડ માસ્ટરોએ ટ્વીટ કરીને આ લોગો સામે પોતાની નારાજગી દર્શાવી છે. આ લોગો ચેસ ટુર્નામેન્ટ  કરતા કામસૂત્રની વધુ યાદ અપાવે છે. લોગોમાં એવું બતાવવામાં આવ્યું છે કે બે શરીર એકમેક સાથે વીંટળાયેલા છે અને બન્ને વચ્ચે એક ચેસ-બોર્ડ રાખવામાં આવ્યું છે.

વિવાદોથી દૂર અને શાંત રહેતા વિશ્વનાથન આનંદે આ વાતને લઇને મજાક કરી છે. પાંચ વખતના આ વર્લ્ડ ચેમ્પિયને કહ્યું હતું કે જો તમે આ પોઝિશનમાં છો તો જાતને સેન્ટા કલોઝની સારી યાદીમાં ગણો. વળી લોગોમાં ચેસ-બોર્ડ ૬*૬નું બતાવાયું છે. આનંદે કહ્યું હતું કે 'ચેસના ખેલાડી હોવાના નાતે હું ઇચ્છું છું કે બોર્ડ ૮*૮નું હોય. વળી પ્યાદાને સૌથી છેલ્લા ખાનામાં ન રાખવું જોઇએ.'

આનંદ ઉપરાંત ઘણા ખેલાડીઓએ આ લોગો સામે નારાજગી વ્યકત કરી છે. આ લોગોમાં બે જ પ્યાદાં સામે નારાજગી વ્યકત કરતાં લોકોએ કહ્યું હતું જાણે ચેકમેટ થઇ ગયું હોય એવું લાગે છે.

ઘણા લોકોએ આવા લોગોને બહુ ભદો ગણાવ્યો હતો. વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ આવતા વર્ષે ૧૧ થી ૩૦ નવેમ્બર સુધી લંડનમાં રમાશે.

જેમાં વર્લ્ડ ચેમ્પિયન મેગનસ કાર્લસન અને ચેલેન્જર વચ્ચે સ્પર્ધા થશે. ચેલેન્જરનો નિર્ણય આવતા વર્ષે માર્ચમાં રમાનારી ટુર્નામેન્ટમાં થશે. સૌથી મહત્વની વાત એ હતી કે યજમાનોને લોગોના વિવાદ વિશે અંદાજ હતો. આયોજકોએ કહ્યું હતું કે તેઓ જાણીજોઇને વિવાદાસ્પદ લોગો બનાવવા માગતા હતા, જેવું આ વિવાદસ્પદ શહેર છે.'

(11:38 am IST)