Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

એકતરફી મેચોથી સાઉથ આફ્રિકા માટેની ભારતની તૈયારી પર સવાલ

આજે ઈન્દોરમાં સાંજે ૭ વાગ્યાથી ટી-૨૦નો મુકાબલોઃ ઈન્ડિયાના ટોચના ખેલાડીઓની ગેરહાજરી છતાં શ્રીલંકાના ખેલાડીઓને કોઈ રાહત નથી મળતી

ઈન્દોર, તા. ૨૨ : મજબૂત ગણાતી ભારતીય ટીમ આજે ઈન્દોરમાં રમાનારી બીજી ટી-૨૦ મેચ જીતીને શ્રીલંકા સામેની ત્રણ મેચોની સીરીઝ પોતાના નામે કરવા માંગશે. શ્રીલંકાની ટીમની મુશ્કેલીનો કોઈ અંત નથી. કટકમાં એ ૯૩ રનથી હારી ગઈ હતી અને એ મેચ એકતરફી રહી હતી એથી ફરીથી સવાલ ઉઠ્યો છે કે આટલી નબળી ટીમ સાથે વારંવાર મેચ રમવાનો શું અર્થ? કારણ કે ભારતે નબળી ટીમ સામે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ભારતીય બેટ્સમેનોનો આત્મવિશ્વાસ જરૂર વધ્યો છે. પરંતુ પ્રશ્ન એ છે કે સાઉથ આફ્રિકાની પરિસ્થિતિમાં તેમનું આ પ્રદર્શન કેટલુ મહત્વનું રહેશે.

વિરાટ કોહલી, શિખર ધવન અને ભુવનેશ્વર કુમારની ગેરહાજરી છતાં શ્રીલંકાના ખેલાડીઓને કોઈ રાહત નથી મળતી. શ્રીલંકાના ટોચના ખેલાડીઓ પણ ભારતીય બોલરો અને બેટ્સમેનોનો સામનો કરવામાં મુશ્કેલી અનુભવતા હતા. આઈપીએલને કારણે ભારતીય ખેલાડીઓની એક મજબૂત બેન્ચ - સ્ટ્રેગ્ન્થ તૈયાર થઈ છે. ભારતને શ્રીલંકા સામે દબદબો જાળવી રાખવા માટે પોતાની શ્રેષ્ઠ ટીમની જરૂર નથી. ભલે તેમને સફળતાનું મોટુ શ્રેય ન મળે, પરંતુ નબળી ટીમ સામે નિષ્ફળતા જરૂર નકારાત્મક સાબિત થશે. ઈન્દોરના પિચ - કયુરેટરે જણાવ્યા પ્રમાણે ટોસ જીતીને પહેલા બેટીંગ કરનાર ટીમને લાભ થશે. કટકમાં જોવા મળ્યુ હતું એવુ ઝાકળ અહીં શરૂઆતથી જોવા નહિં મળે.

(11:38 am IST)