Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

ટેસ્ટ રેંકિંગમાં સ્ટાર વિરાટ કોહલી પાંચ સ્થાને પહોંચ્યો

વિરાટ કોહલીની વિરાટ સિદ્ધિઓનો દોર જારી : બોલરોની યાદીમાં રવિન્દ્ર જાડેજા ત્રીજા સ્થાને પહોંચ્યો

નવી દિલ્હી,તા. ૨૧ : ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાંચમા સ્થાને પહોંચી ગયો છે. વિરાટે વિરાટ સિદ્ધી હાંસલ કરવાનો સિલસિલો જારી રાખ્યો છે. આઇસીસી દ્વારા જારી કરવામાં આવેલી રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓ શાનદાર દેખાવ સાથે આગળ વધી રહ્યા છે. જો કે સ્પીનર રવિન્દ્ર  જાડેજા બોલરોની યાદીમાં એક સ્થાન નીચે ગબડીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. કોહલીએ હાલમાં શ્રીલંકા સામે કોલકત્તા ટેસ્ટ મેચમાં ભારતની બીજી ઇનિગ્સમાં સદી ફટકારી હતી. કોહલીએ પોતાની કેરિયરની ૧૮મી સદી ફટકારી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટે ૫૦મી સદી ફટકારી હતી. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર ૨૯માં ક્રમાકે પહોંચી ગયો છે. મોહમ્મદ સામીની રેન્કિંગમાં પણ સુધાર થયો છે. તે રેન્કિંગમાં ૧૮મા સ્થાને પહોંચી ગયો છે. આ ઉપરાંત પણ કોહલીએ કેટલીક નવી સિદ્ધિ મેળવી હતી. ઇડન ગાર્ડન પર કોહલીએ પ્રથમ સદી ફટકારી હતી. આ ઉપરાંત ભારતના કેપ્ટન તરીકે સુનિલ ગાવસ્કરના સૌથી વધુ ૧૧ સદી ફટકારવાના રેકોર્ડની પણ કોહલીએ બરોબરી કરી હતી. સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ સદીનો રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ કોહલી હવે અડધે સુધી પહોચી ગયો છે. તમામ ક્રિકેટ ચાહકો નક્કરપણે માને છે કે, વિરાટ કોહલી સચિન તેંડુલકરના રેકોર્ડને સરળતાથી તોડી દેશે.શ્રીલંકાના ખેલાડી ડિકવિલ્લાને હવે ૩૭માં સ્થાને રાખવામાં આવ્યો છે. દુલરુવાન પરેરા હવે ૨૨માં સ્થાને પહોંચી ગયો છે. ટીમ રેન્કિંગમાં હાલમાં ઓસ્ટ્રેલિયા પાંચમાં સ્થાને છે. ભારત ૧૨૫ પોઇન્ટ લઇને પ્રથમ સ્થાને છે. જ્યારે આફ્રિકા ૧૧૧ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે.

 

(7:17 pm IST)