Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ઓલિમ્પિક ટેસ્ટ ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારતે જાપાનને હરાવીને સ્થાન મેળવ્યું

નવી દિલ્હી: સ્ટ્રાઇકર મનદીપસિંહની શાનદાર હેટ્રિકની મદદથી ભારતીય મેન્સ હોકી ટીમે જાપાનને ૬-૩થી હરાવીને ઓલિમ્પિક ટેસ્ટ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. ભારતને ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડે ૨-૧થી પરાજય આપ્યો હતો. હવે ફાઇનલમાં બુધવારે ભારતીય ટીમનો સામનો ફરીથી ન્યૂઝીલેન્ડ સામે થશે. મનદીપે નવમી, ૨૯મી તથા ૩૦મી મિનિટે ગોલ કર્યા હતા. આ ઉપરાંત નીલાકાંતા શર્માએ ત્રીજી, નીલમ સંજીપ સેસે સાતમી તથા ગુરજંતસિંહે ૪૧મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા. જાપાન માટે કેંતારો ફુફુડાએ ૨૫મી, કેંતા તનાકાએ ૩૬મી તથા કાજુમા મુરાતાએ બાવનમી મિનિટે ગોલ કર્યા હતા. નીલકાંતાએ ભારતને શાનદાર શરૂઆત કરાવી હતી અને ત્રીજી જ મિનિટે ફિલ્ડ ગોલ કરીને ભારતનું ખાતું ખોલ્યું હતું. પ્રારંભિક મિનિટોમાં જ લીડ મેળવ્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર બનેલી ભારતીય ટીમે જાપાનીઝ ડિફેન્સ હરોળને સતત દબાણ હેઠળ રાખી હતી. ભારતને સાતમી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો જેને નીલમે ગોલમાં ફેરવીને લીડ ૨-૦ની કરી હતી. નવમી મિનિટે મનદીપે ટીમ માટે ત્રીજો ગોલ કર્યો હતો. જાપાને પ્રથમ ક્વાર્ટરના અંતમાં પેનલ્ટી મેળવ્યો હતો પરંતુ ગોલ કરવામાં નિષ્ફળતા મેળવી હતી. બીજા ક્વાર્ટરમાં મનદીપે સતત બે ગોલ કરીને ટીમનો સ્કોર ૫-૧નો કર્યો હતોજાપાને ત્રીજા ક્વાર્ટરની આક્રમક શરૂઆત કરી હતી અને તનાકાએ ૩૬મી મિનિટે ફિલ્ડ ગોલ નોંધાવ્યો હતો. ભારત માટે ગુરજંતે ૪૧મી મિનિટે ટીમ માટે છઠ્ઠો ગોલ નોંધાવ્યો હતો અને મેચ ભારતની તરફેણમાં કરી લીધી હતી. જાપાન માટે ત્રીજો ગોલ મુરાતાએ હૂટરની આઠ મિનિટ પહેલાં કર્યો હતો.

(5:31 pm IST)