Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

વિશ્વના મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરના ઘુંટણની સર્જરીઃ કેટલાક મહિના સુધી ટેનિસ કોર્ટ ઉપર જોવા નહીં મળે

નવી દિલ્હીઃ વિશ્વના મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરર આગામી કેટલાક મહિના ટેનિસ કોર્ટ પર જોવા મળશે નહીં. બુધવારે ફેડરરના ઘુંટણની સર્જરી થઈ છે અને તેને સ્વસ્થ થવા કેટલાક મહિના આરામ કરવો પડશે. ખુદ ફેડરરે એક ટ્વીટ કરી પોતાના ફેન્સ સાથે આ જાણકારી શેર કરી છે.

સ્વિત્ઝર્લેન્ડના આ ખેલાડીએ ફ્રેન્ચ ઓપન સહિત 4 અન્ય મોટી ટૂર્નામેન્ટમાંથી બહાર રહેવાની જાણકારી આપી છે. 20 ગ્રાન્ડસ્લેમ જીતી ચુકેલ આ દિગ્ગજ સ્ટારે ટ્વીટમાં લખ્યુ, 'છેલ્લા કેટલાક સમયથી મારો ડાબો ઘુંટણ મારી ચિંતાઓ વધારી રહ્યો હતો. મને આશા છે કે તે યોગ્ય થઈ જશે, પરંતુ કેટલિક તપાસ અને મારી ટીમ સાથે વાતચીત બાદ મેં કાલે (બુધવાર)એ સ્વિત્ઝર્લેન્ડમાં ઓર્થોસ્કોપિક સર્જરી કરાવવાનો નિર્ણય લીધો.'

38 વર્ષીય ફેડરરે આ ટ્વીટમાં આગળ લખ્યું, 'આ પ્રક્રિયા બાદ ડોક્ટરોએ જણાવ્યું કે, આ (ઓપરેશન) સારી વસ્તુ હતી, જે કરવાની હતી અને તેને (ડોક્ટરો) સંપૂર્ણ વિશ્વાસ છે કે તે યોગ્ય રીતે સારી થઈ જશે. પરિણામસ્વરૂપ, હું દુબઈ, ઈન્ડિયન્સ વેલ્સ, બોગોટા, મિયામી અને ફ્રેન્ચ ઓપનમાં રમી શકીશ નહીં. હું સમર્થન માટે દરેકનો આભારી છું. હું બીજીવાર રમવા માટે આતુર છું, જલદી ઘાસ (મેદાન) પર મળીશ.'

મહત્વનું છે કે ફેડરર આ વર્ષે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમ્યો હતો. પરંતુ તે સેમિફાઇનલમાં હારીને બહાર થઈ ગયો હતો. ફેડરરે પોતાના કરિયરમાં માત્ર એકવાર ફ્રેન્ચ ઓપન (2009)માં ટાઇટલ પોતાના નામે કર્યું છે.

(4:30 pm IST)