Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

પાકિસ્‍તાનને વિશ્વકપ-૨૦૧૯માંથી દૂર કરવા આઇસીસીને રજૂઆત કરવા તખ્‍તો તૈયાર

નવી દિલ્હી : પુલવામા હુમલા બાદ ભારતે ચારેબાજુથી પાકિસ્તાનને ઘેરવાનું શરૂ કર્યું છે. હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમને આગામી વિશ્વ કપમાંથી દૂર કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કંટ્રોલ (ICC) ને રજૂઆત કરવામાં આવશે. આઇસીસીને એક પત્ર લખીને બીસીસીઆઇ આ મુદ્દે દબાણ વધારશે.

સુત્રોના અનુસાર, ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સમિતિના સીઓએ વિનોદ રાયે બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરીને સુચના આપી છે કે તે આઇસીસીને એક ઓફિશિયલ મેલ કરે, જેમાં વર્લ્ડ કપ 2019 માંથી પાકિસ્તાનને બાકાત રાખવાનો મુદ્દો ઉઠાવે. પુલવામા હુમલા બાદ બીસીસીઆઇ હવે પાકિસ્તાનને લઇને કડકાઇ પર આવ્યું છે.

અહીં નોંધનિય છે કે, આગામી 27 ફેબ્રુઆરીથી લઇને 2જી માર્ચ સુધી દુબઇમાં આઇસીસીની બેઠક થનાર છે. જેમાં આ મુદ્દાને બીસીસીઆઇ ભાર પૂર્વક ઉઠાવશે.

બીજી તરફ શુક્રવારે આયોજિત સીઓએ બેઠકમાં ખેલ, વિદેશ અને ગૃહ મંત્રાલયની સલાહ લેવામાં આવશે. જે બાદ બીસીસીઆઇ અને સીઓએ સામુહિક રીતે નિર્ણય લેશે કે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું કે નહીં? જોકે અત્યાર સુધી બીસીસીઆઇ તરફથી આઇસીસીને કોઇ પત્ર લખવામાં આવ્યો નથી.

(5:05 pm IST)