Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ટીમ ઈન્ડિયાના ન્યુ 'ધ વોલ' ચેતેશ્વરે લાજ રાખી

એડીલેડમાં ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ દિવસ-૧ પૂર્ણ : ભારત- ૨૫૦/૯: પૂજારાએ શાનદાર સદી (૧૨૩ રન) ફટકારી : લોકેશ, મુરલી, વિરાટ, રહાણે, શર્મા સહિતના ધુરંધરો ફેઈલ : પૂછડીયા બેટ્સમેનોએ ચેતેશ્વરનો સાથ આપ્યો : સ્ટાર્ક, હેઝલવૂડ, કમીન્સ, લીયનને ૨-૨ વિકેટો: રાહુલ દ્રવિડે ૧૦૮ ટેસ્ટ ઈનીંગમાં ૫૦૦૦ રન પૂરા કરેલા : પૂજારાએ પણ ૧૦૮ ઈનિંગમાં ૫૦૦૦ રન પૂરા કર્યા : તે દ્રવિડની સાથે સૌથી ઝડપી ૫૦૦૦ રન બનાવનારાના કલબમાં ૫માં ક્રમે પહોંચી ગયો છે

એડીલેડ, તા. ૬ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝનો મહાસંગ્રામ આજથી શરૂ થયો છે. પ્રથમ ટેસ્ટમાં જ ટીમ ઈન્ડિયાના ધુરંધર બેટ્સમેનો ફેઈલ ગયા છે. એકમાત્ર ટીમ ઈન્ડિયાના ન્યુ 'ધ વોલ' તરીકે ગણાતા અને લોકલબોય ચેતેશ્વર પૂજારાએ લાજ રાખી ભારતીય ટીમને થોડી સન્માનજનક સ્થિતિમાં લઈ જવામાં મદદ કરી હતી. ચેતેશ્વરે શાનદાર સદી ફટકારી હતી. કમનસીબે એ ૧૨૩ રનના જુમલે રનઆઉટ થઈ ગયો હતો. પ્રથમ દિવસની રમતના અંતે ભારતે ૯ વિકેટે ૨૫૦ રન બનાવ્યા હતા.

એડીલેડ ખાતે શરૂ થયેલ પ્રથમ ટેસ્ટમાં આજે સવારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી દાવ લીધો હતો. પરંતુ શરૂઆતમાં તો એવું લાગતુ હતું કે, ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો ૧૦૦ રનના જુમલે પણ નહિં પહોંચી શકે. ઓપનરો લોકેશ રાહુલ - ૨ અને મુરલી વિજય - ૧૧ રને સસ્તામાં ઉડ્યા હતા. બાદમાં ચેતેશ્વર પૂજારા મેદાનમાં આવ્યો હતો. તેણે અત્યંત ધીમી અને શાનદાર ઈનિંગ રમી ભારતીય ટીમને સન્માનજનક સ્કોરે લઈ જવામાં ભૂમિકા ભજવી હતી.

કેપ્ટન વિરાટ કોહલી પણ ૩ અને અજિંકય રહાણે પણ ૧૩ રનના જુમલે પેવેલિયન ભેગા થઈ ગયા હતા ત્યારે એક તબક્કે એવું લાગતુ હતું કે, ભારતીય ટીમ સાવ સામાન્ય જુમલામાં જ ઓલઆઉટ થઈ જશે, પરંતુ લોકલબોય ચેતેશ્વર પૂજારાએ એક છેડો સાચવી રાખ્યો હતો. ટી-૨૦માં શાનદાર ઈનીંગ રમનાર રોહિત શર્માએ ૩૭, વિકેટકીપર કમ બેટ્સમેન રીષભ પંત -૨૫ અને આર. અશ્વિન ૨૫ રન બનાવી આઉટ થયા હતા. આ દરમિયાન ચેતેશ્વર પૂજારાએ ૨૪૬ બોલમાં ૭ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી સદી પૂરી કરી ૧૨૩ રન બનાવ્યા હતા. કમનસીબે એ રનઆઉટ થયો હતો. પ્રથમ દિવસની રમતના અંતે ભારત ૮૭.૫ ઓવરમાં ૯ વિકેટના ભોગે ૨૫૦ રન બનાવ્યા હતા. મોહમ્મદ શમી ૬ અને બુમરાહ ૦ રને દાવમાં છે. (૩૭.૧૨)

 

(4:01 pm IST)