Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

બાઉન્ડ્રી નજીક ડેવિડ મિલરે કેચ પકડતા વિરાટ કોહલીની આંખો પહોળી થઇ ગઇઃ ધવને હસતા-હસતા પેવેલિયનનો રસ્તો પકડ્યો

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બુધવારે રમાયેલી ટી20 મેચ ભારતે 7 વિકેટે જીતી લીધી હતી. વિરાટ કોહલી 72 રન બનાવીને આ મેચનો હીરો રહ્યો હતો અને મેન ઓફ ધ મેચ બન્યો હતો. આ ઉપરાંત તેણે પોતાના નામે બે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા હતા. જોકે, મેચ દરમિયાન એક ઘટના એવી બની કે, જેમાં વિરાટ અવાચક રહી ગયો હતો.

ભારતીય ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે 149 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે એક વિકેટે 94 બનાવ્યા હતા. આ એ ઘડી હતી જ્યારે વિરાટ કોહલી થોડી ક્ષણ માટે શોક પામી ગયો એટલે કે અવાચક રહી ગયો હતો.

શિખર ધવને લોન્ગઓન પર ખાલી જગ્યા જોઈને એક ઊંચો શોટ માર્યો હતો. પરંતુ એ જ સમયે ડેવિડ મિલર દૂરથી દોડતો આવ્યો અને ચીલની જેમ હવામાં કૂદકો મારીને તેણે એક હાથથી કેચ ઝડપી લીધો હતો. ધવનનો શોટ એટલો જોરદાર હતો કે, બોલ બાઉન્ડ્રી બહાર જ જશે એટલે બંનેમાંથી કોઈએ રન દોડવાનો પ્રયાસ કર્યો ન હતો. શિખર હજુ 15 ડગલાં જ આગળ આવ્યો હતો. મિલરે જે રીતે કેચ પકડ્યો તે જોઈને વિરાટની આંખો પહોળી થઈ ગઈ હતી અને તેના મોઢામાંથી આશ્ચર્યનો ઉદગાર નિકળી ગયો હતો. જ્યારે ધવને હસતા-હસતા પેવેલિયનનો રસ્તો પકડ્યો હતો.

જોકે, આ અગાઉ વિરાટે પણ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ક્વિન્ટ ટિકોકનો આવો જ કેચ હવામાં ડાઈવ મારીને પકડ્યો હતો. ડિકોકે નવદીપ સૈનીના ધીમ બોલ પર શોટ માર્યો પરંતુ મિસટાઈમ થઈ જતાં બોલ મિડઓફ તરફ ગયો હતો. સામાન્ય નજરે બોલ વિરાટથી ઘણો જ દૂર હતો, પરંતુ કોહલીએ લાંબો કૂદકો મારીને અદભૂત કેચ ઝડપી લીધો હતો.

(4:11 pm IST)