Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાની ટી-૨૦ ક્રિકેટ મેચમાં ૭૨ રનના ઇનિંગ્સ સાથે જ વાઇસ કેપ્ટન રોહિત શર્માના ૨ રેકોર્ડ તોડ્યાઃ પોતાના નામે વિશેષ રેકોર્ડ સ્થાપિત કર્યો

નવી દિલ્હીઃ કોહલી કારકિર્દીમાં જેમ-જેમ આગળ વધતો જઈ રહ્યો છે તેમ-તેમ તે 'વિરાટ' બનતો જઈ રહ્યો છે અને નવા-નવા રેકોર્ડ પોતાના નામે કરતો જઈ રહ્યો છે. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાની ટી20 મેચમાં 72 રનની ઈનિંગ્સ સાથે જ વાઈસ કેપ્ટન રોહિત શર્માના બે રેકોર્ડ તોડ્યા અને ખુદના નામે એક વિશેષ રેકોર્ડ સ્થાપિત કર્યો. વિરાટની આટલા સુંદર પ્રદર્શનના કારણે ICCએ પણ તેને સલામ કરી છે. પાકિસ્તાની દિગ્ગજ શાહિદ આફ્રીદીએ પણ કોહલીને મહાન ખેલાડી જણાવ્યો છે.

રોહિત શર્માના બે રેકોર્ડ તોડ્યા

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી20માં 72 રન બનાવ્યા હતા. આ ઈનિંગ્સ સાથે જ ટી20 ક્રિકેટમાં તૈ સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો છે. વિરાટના કુલ 2441 રન થયા છે, જ્યારે રોહિતના નામે 2434 રન છે અને હવે રોહિત બીજા નંબરે આવી ગયો છે.

આ ઉપરાંત મેચમાં 50 રન પુરા કરવાની સાથે જ તેણે રોહિતનો સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વિરાટ કોહલીની આ 22મી અડધી સદી હતી. રોહિતે અત્યાર સુધી 21 અડધી સદી ફટકારી છે, જેમાં ચાર સદી અને 17 અડધી સદીનો સમાવેશ થાય છે.

ત્રણેય ફોર્મેટમાં 50થી વધુ સરેરાશનો રેકોર્ડ

વિરાટ કોહલીએ 72 રન બનાવવાની સાથે જ ટી20માં તેની સરેરાશ 50થી ઉપર પહોંચી ગઈ હતી. વન-ડે અને ટેસ્ટ મેચમાં પણ તેની રનની સરેરાશ 50થી વધુની છે. આ રીતે વિરાટ કોહલી દુનિયાનો એકમાત્ર ક્રિકેટર બન્યો છે, જેની ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રનની સરેરાશ 50થી વધુ છે. વર્તમાનમાં વિરાટની વનડે સરેરાશ 60.31, ટેસ્ટમાં 53.14 અને ટી20માં 50.85 રનની સરેરાશ છે. આ ઉપલબ્ધી પર ICCએ પણ વિરાટ કોહલીને સલામ માર્યા હતા.

મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતવાનો રેકોર્ડ  

વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી20માં 'મેન ઓફ ધ મેચ' બન્યો હતો. તેને ટી20 ક્રિકેટમાં 11મી વખત આ એવોર્ડ મળ્યો છે. અત્યારે સૌથી વધુ 'મેન ઓફ ધ મેચ'નો એવોર્ડ મોહમ્મદ નબી(12)ના નામે છે. વિરાટ કોહલી અને શાહિદ આફ્રીદી 11-11 એવોર્ડ સાથે સંયુક્ત રીતે બીજા નંબરે છે.

(4:11 pm IST)