Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

યુવા ફોરવર્ડ લાલરેમસિયામીના ગોલની મદદથી એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી ભારત-કોરિયા વચ્ચેની મેચ ડ્રો

ડોંગાઈ સિટી: યુવા ફોરવર્ડ લાલરેમસિયામીના ગોલની મદદથી ગત ચેમ્પિયન ભારતીય મહિલા હોકી ટીમે પાંચમી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી મહિલા હોકી ટૂર્નામેન્ટના અંતિમ રાઉન્ડ રોબિન મેચમાં કોરિયા સાથે ૧-૧થી ડ્રો કર્યો હતો. હવે બંને ટીમો આજે ફાઇનલમાં એક બીજા સામે ટકરાશે. આ ડ્રોને કારણે ભારતીય ટીમ ટોચનું સ્થાન મેળવતાં ફાઇનલમાં પહોંચશે. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમને હજુ પરાજય મળ્યો નથી. ભારતે જાપાનને ૪-૧થી, ચીનને ૩-૧થી અને મલેશિયાને ૩-૨થી પરાજય આપ્યો હતો.

વિશ્વમાં નવમો ક્રમાંક ધરાવતી કોરિયાની ટીમે શરૂઆતથી જ આક્રમક રમત દર્શાવી હતી પરંતુ ભારતે ચોથી જ મિનિટે પેનલ્ટી કોર્નર મેળવ્યું હતું જોકે, ડ્રેગ ફ્લિકર ગુરજિત કૌરની ફ્લિકને કોરિયન ગોલકીપરે રોકી દીધું હતું. તે પછી પણ ભારતીય ટીમે ગોલ કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ કોરિયન ડિફેન્સને ભેદવું મુશ્કેલ બન્યું હતું. પ્રથમ ક્વાર્ટર ગોલરહિત રહ્યા બાદ સેકન્ડ ક્વાર્ટરમાં ૨૦મી મિનિટે ચિઓન સિયોલ કીએ ગોલ કરી ટીમને ૧-૦ની લીડ અપાવી હતી. ત્રીજા ક્વાર્ટરમાં બંને ટીમોએ ગોલના પ્રયાસ કર્યા હતા પરંતુ સફળતા મળી નહોતી. ચોથા ક્વાર્ટરમાં લાલરેમસિયામીએ પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવતાં ગોલ કરી ટીમને ૧-૧ની બરાબરી અપાવી હતી.

યજમાન પાસે ૫૪મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કરવાની તક હતી પરંતુ ભારતીય ગોલકીપર સવિતાએ તેને નિષ્ફળ બનાવતાં મેચ ડ્રો રહી હતી.

(11:46 am IST)