Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

વિરાટ કોહલીની પાંચમી સદી અને મોઇન અલીની ધોલાઇથી કુલદિપ યાદવ મેદાનમાં જ રડવા લાગ્યો

કોલકત્તાઃ કેપ્ટન વિરાટ કોહલીની ટી-20માં પાંચમી સદી અને મોઈન અલીની ધમાકેદાર ઈનિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મોટા સ્કોર વાળા મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને 10 રનથી પરાજય આપીને આઈપીએલમાં પોતાની આશા જીવંત રાખી છે.

શુક્રવારે ઈડન ગાર્ડન્સ પર કોહલીએ 58 બોલમાં 100 કન બનાવ્યા, જેમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ છે. મોઈન અલીએ માત્ર 28 બોલ પર પાંચ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા. આ બંન્નેને કારણે આરસીબીએ અંતિમ 10 ઓવરોમાં 143 રન ઠોક્યા હતા. તેમાંથી 91 રન અંતિમ પાંચ ઓવરોમાં બન્યા અને સ્કોર 4 વિકેટ પર 213 રન પર પહોંચી ગયો હતો.

આ દરમિયાન મોઈન અલીએ કાંડાના સ્પિનર કુલદીપ યાદવની ધોલાઈ કરી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે મોઈને કુલદીપની એક ઓવરમાં 27 રન ફટકારી દીધા હતા, જેમાં ત્રણ સિક્સ અને બે ચોગ્ગા સામેલ રહ્યાં.

હકીકતમાં આરસીબીની ઈનિંગની 16મી ઓવરમાં મોઈન અલીએ કુલદીપ પર પ્રહાર કર્યો હતો. આ ઈંગ્લિશે ઓલરાઉન્ડરે તે ઓવરમાં (4, 6, 4, 6, 1w, 6)રનનો વરસાદ કર્યો હતો. મજાની વાત છે કે, કુલદીપે આ ઓવરમાં બદલો પણ લેતા મોઈન અલીને છેલ્લા બોલ પર આઉટ પણ કર્યો હતો.

મોઈનની વિકેટ પડ્યા બાદ ટાઇમ આઉટ લેવામાં આવ્યું હતું. કુલદીપને વિકેટ તો મળી પરંતુ તે નિરાશ જોવા મળ્યો. તેણે ઓવર પૂરી થયા બાદ અમ્પાયર પાસેથી પોતાની કેપ પરત લીધો. ત્યારબાદ કેપને મેદાન પર ફેંકી દીધી અને મિડ વિકેટ તરફ આગળ વધતા પહેલા ફરી કેપ ઉઠાવી લીધી હતી.

આ વચ્ચે ક્રિસ લિન કુલદીપને સાંત્વના આપવા માટે આગળ આવ્યો. પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ કુલદીપને શાબાશી આપી. આંદ્રે રસેલે પણ કુલદીપને 'હડલ'માં સામેલ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે હડલથી દૂર રહ્યો.

કુલદીપ પોતાના ઘુંટણ પર બેસી ગયો. આખરે તેની નજીક પહોંચેલા બે સાથીઓએ તેને મનાવવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન પાણી પીતા કુલદીપ પરેશાન દેખાયો. હકીકતમાં મોઈન અલીની તોફાની બેટિંગે તેના આત્મવિશ્વાસને હલાવી દીધો હતો. તેની આંખોમાંથી આસું પણ નિકળી આવ્યા હતા.

કુલદીપ યાદવ માટે આ સિઝન અત્યાર સુધી સારી રહી નથી. તેણે નવ મેચોમાં માત્ર 4 વિકેટ ઝડપી છે. તેનો ઇકોનોમી રેટ 8.66નો છે. પરંતુ તેની પસંદગી વિશ્વ કપ માટે થઈ ગઈ છે.

(4:52 pm IST)