Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

પૂજારા ગ્લુસેસ્ટરશાયર વતી ઈંગ્લીશ કાઉન્ટી ચેમ્પિયનશીપમાં રમશે : કરાર કર્યા

૧૨ એપ્રિલથી ૨૨ મે સુધી પ્રથમ ડિવીઝનમાં રમશે

લંડન : ભારતના ટેસ્ટ નિષ્ણાંત બેટ્સમેન ચેતેશ્વર પૂજારા જોડે ૧૨મી એપ્રિલથી શરૂ થતી ઈંગ્લીશ કાઉન્ટી ચેમ્પિયનશીપમાં પહેલી છ મેચ રમવા માટે ગ્લુસેસ્ટરશાયરે કરાર કર્યા હતા. ભારતની ટેસ્ટ ટીમના એક મુખ્ય ખેલાડી તરીકે રહેતો ૩૨ વર્ષનો જ માણેરી બેટધર પૂજારા ગ્લુસેસ્ટરશાયર કાઉન્ટી જોડે ૧૨ એપ્રિલથી ૨૨ મે સુધી પ્રથમ ડિવીઝનમાં રમશ.ે ગ્લુસેસ્ટરશાયરની ટીમ છેલ્લા એક દશકામાં પહેલી વાર સ્પર્ધાના ટોચના વિભાગમાં રમનાર છે. ૨૦૧૦માં ઓસ્ટ્રેલિયા સામે પોતાનો ટેસ્ટ પ્રવેશ કરેલ પૂજારા આ અગાઉ ડર્બિશાયર, યોર્કશાયર અને નોટીંગહામશાયર વતી કાઉન્ટી ચેમ્પિયનશીપમાં રમ્યો હતો. પૂજારા ટેસ્ટ ક્રિકેટમાં ૪૯.૪૮ રનની પ્રભાવિત બેટીંગ સરેરાશ ધરાવે છે અને તેનો શ્રેષ્ઠ વ્યકિતગત દેખાવ ઈંગ્લેન્ડ સામે અણનમ ૨૦૬ રનનો છે.

રણજી ટ્રોફી સ્પર્ધાની પ્રથમ કક્ષાની મેચોમાં સૌરાષ્ટ્રની ટીમ વતી રમતા પણ તે ૫૩.૯૯ રનની પ્રભાવિત સરેરાશ ધરાવે છે અને તેણે પોતાના શ્રેષ્ઠ દેખાવમાં કર્ણાટક સામે ૩૫૨ રન કર્યા હતા. પૂજારા ૧૯૯૫માં જવાગલ શ્રીનાથ પછી ગ્લુસેસ્ટરશાયર કાઉન્ટી વતી રમનાર પહેલો ભારતીય ક્રિકેટર હશે. શ્રીનાથે તેની એકમાત્ર ક્રિકેટ મોસમમાં ૮૭ વિકેટ લીધી હતી. ગ્લુસેસ્ટરશાયર વતી પૂજારા યોર્કશાયર, લેકેશાયર, કેન્ટ, સમરસેટ, એસેકસ અને સરે સામે ચાર દિવસીય મેચોમાં રમશે.

(2:33 pm IST)