Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

મને અને કુલદીપને અશ્ર્વિન-જાડેજા સાથે સરખાવવા વાજબી ન કહેવાય: ચહલ

વિશાખાપટ્ટનમ: ભારતના લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું માનવું છે કે તેણે તથા કુલદીપ યાદવની રવિચંદ્રન અશ્ર્વિન તથા રવીન્દ્ર જાડેજા જોડે સરખામણી કરવી ગેરવાજબી છે, કે જેઓએ છેલ્લાં કેટલાંક વર્ષમાં રાષ્ટ્રની ટીમમાં સારી કામગીરી બજાવી છે.

"અશ્ર્વિન અને જાડેજાની જોડીએ છેલ્લાં ૫-૬ વર્ષમાં ઘણી સારી કામગીરી બજાવી છે અને અમે ફક્ત ચાર-પાંચ શ્રેણી રમ્યા છે, જેથી મારી અને કુલદીપની તેઓ જોડે સરખામણી કરવી ગેરવાજબી છે, એમ ચહલે પત્રકારો જોડેની વાતચીતમાં કહ્યું હતું.

તેણે વધુમાં કહ્યું હતું કે શ્રીલંકામાં એકમાત્ર શ્રેણી સિવાય તેઓ ઘણુંખરું ક્રિકેટ ભારતમાં રમ્યા છે અને શ્રીલંકામાં પરિસ્થિતિ પણ ભારત સમાન જ હતી તથા વિદેશમાં અમે બહુ રમ્યા નથી.

તાજેતરના સમયમાં ટેસ્ટ નિષ્ણાત બૉલરો તરીકે રહેતા અશ્ર્વિન અને જાડેજાએ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રાષ્ટ્રની ટીમમાં પોતાનું સ્થાન કુલદીપ અને ચહલને ગુમાવી દીધું છે.

રાષ્ટ્ર વતી અત્યાર સુધીમાં ૧૭ વન-ડે અને ૧૨ ટીમ-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં રમી ચૂકેલ ચહલે કહ્યું હતું કે દરેક ખેલાડીની જેમ તેનું સ્વપ્ન ટેસ્ટ ક્રિકેટમાં રમવાનું છે, પણ તે બાબતમાં પોતે હાલ બહુ વિચારતો નથી અને તેનું ધ્યાન શ્રીલંકા સામેની આગામી ટી-૨૦ શ્રેણી પર છે. "ટેસ્ટ ક્રિકેટમાં રમવું બધા ખેલાડીનું સ્વપ્ન હોય છે, એમ આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં રોયલ ચૅલેન્જર્સ બેંગલોર (આર. સી. બી.) વતી રમતા હરિયાણાના ચહલે કહ્યું હતું. ચહલે ૨૦૧૭માં રમેલી બધી શ્રેણી ભારતે જીતી છે અને તેણે આ વર્ષને યાદગાર ગણાવ્યું હતું.

(10:00 am IST)