Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ભારતીય મહિલા ટીમે વર્લ્ડ કપમાં મેળવી સતત ચોથી જીત

નવી દિલ્હી: સ્મૃતિ મંધાનાના તોફાની ૮૩ રન બાદ સ્પિનરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટી-૨૦ વર્લ્ડ કપના ગ્રૂપ બીમાં પોતાના અંતિમ લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૪૮ રને પરાજય આપી આ વર્લ્ડ કપમાં સતત ચોથો વિજય મેળવ્યો હતો. પ્રથમ વાર એવું બન્યું છે કે, ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં સતત ચાર મેચ જીતી હોય જ્યારે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની આ ટી-૨૦ લીગમાં સતત ૧૨ જીત બાદ પ્રથમ હાર હતી.ઓપનર સ્મૃતિ મંધાનાએ કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ૮૩ રનની મદદથી ભારતે આઠ વિકેટ પર ૧૬૭ રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. તે પછી અનુજા પાટિલ (૧૫ રનમાં ત્રણ વિકેટ)ના નેતૃત્વમાં સ્પિનરોએ શાનદાર પ્રદર્શન કરતાં ઓસ્ટ્રેલિયાની ઇનિંગને ૧૯.૪ ઓવરમાં નવ વિકેટે ૧૧૯ રને રોકી દીધી હતી. પૂનમ યાદવ, રાધા યાદવ અને દીપ્તિ શર્માએ ૨-૨ વિકેટ ઝડપી હતી. એલિસા હેલીને ફિલ્ડિંગ દરમિયાન ઈજા થઈ હતી જેને કારણે તે બેટિંગમાં આવી શકી નહોતી. આમ ઓસ્ટ્રેલિયા તરફથી ૧૦ ખેલાડીઓ જ બેટિંગમાં ઊતરી શકી હતી.  જીત માટે ૧૬૮ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ઓસ્ટ્રેલિયા માટે ફોર્મમાં ચાલી રહેલી હિલીની ગેરહાજરીમાં મૂની (૧૯ રન) અને એલિસ વિલાની (છ રન)એ ઇનિંગની શરૂઆત કરી હતી. બંનેએ ચાર ઓવરમાં ૨૭ રન જોડયા હતા. દીપ્તિએ પાંચમી ઓવરની શરૂઆતના બે બોલ પર બંને ઓપનરે પેવેલિયન મોકલી હતી. કેપ્ટન મેગ લેનિંગ (૧૦ રન) પણ ખાસ પ્રદર્શન કરી શકી નહોતી અને રાધાની ઓવરમાં કૃષ્ણમૂર્તિને કેચ આપી બેઠી હતી. પૂનમે ત્યારબાદ એશ્લે ગાર્ડનર (૨૦ રન)ને પેવેલિયન મોકલી હતી. ગાર્ડનરનો કેચ પણ કૃષ્ણમૂર્તિએ ઝડપ્યો હતો. એક છેડે એલિસ પેરી (૧૯* રન) ટકી રહી હતી પરંતુ બીજા છેડે ભારતીય બોલરોએ વિકેટ ઝડપી હતી. એલિસ પેરીએ ૨૮ બોલની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો.અગાઉ પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમને એશ્લે ગાર્ડનરે તાનિયા ભાટિયા (૦૨ રન)ને આઉટ કરી હતી. સ્મૃતિ મંધાનાએ આક્રમક બેટિંગ કરતાં ભારતે પાવર પ્લેમાં એક વિકેટના નુકસાને ૪૬ રન બનાવ્યા હતા. પાવર પ્લે બાદની ઓવરમાં જેમિમા રોડ્રિગ્ઝ (છ રન)ને આઉટ કરી હતી. હરમનપ્રીત કૌર અને મંધાનાએ ત્યારબાદ ૬૮ રન જોડયા હતા. હરમનપ્રીત કૌર ૪૩ રન બનાવી આઉટ થયા બાદ વેદાકૃષ્ણમૂર્તિ (૩ રન), હેમલતા (એક રન) આઉટ થઈ હતી. દરમિયાન મંધાનાએ પોતાની અર્ધી સદી પૂર્ણ કરતાં ટીમનો સ્કોર ૧૫૦ રનની પાર પહોંચાડયો હતો. મંધાના ૧૯.૧ ઓવરમાં ૮૩ રનના અંગત સ્કોરે આઉટ થઈ હતી. દીપ્તિ અને અરુંધતી રેડ્ડીએ ત્યારબાદ સ્કોર ૧૬૭ રને પહોંચાડયો હતો.

 

(5:55 pm IST)