Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો ૩૨મો જન્મદિનઃ ફુટબોલમાં કેરિયર ન બનતા ક્રિકેટ પસંદ કર્યું

મુંબઇઃ ભારતીય ટીમના સૌથી સફળ સ્પિનર અને ટોપ બોલર્સમાંથી એક રવિચંદ્રન અશ્વિનનો આજે 32મો જન્મદિવસ છે. સ્પિનરની ‘ફિરકી’એ વિશ્વમાં ભલભલા બેટ્સમેનોને પોતાની પકડમાં કર્યા છે. અશ્વિને અનેકવાર મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સાથે જ તે કમાલનો ઓલરાઉન્ડર પણ છે. આવો જાણીએ તેના વિશેની કેટલીક ખાસ વાતો…

રાઈટ આર્મ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો જન્મ 17 સપ્ટેમ્બર 1986ના રોજ ચેન્નાઈ, તમિલનાડુમાં થયો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે કેપ્ટન ધોનીની જેમ જ અશ્વિનને પણ ફુટબોલ સાથે પ્રેમ હતો. જોકે, તે પોતાનું કરિયર ફૂટબોલમાં બનાવી ન શક્યો અને ક્રિકેટ પસંદ કર્યું હતું.

રવિચંદ્રન અશ્વિને ચેન્નઈના એક પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજથી ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં બી.ટેક કર્યું છે. તેનો પરિવાર અશ્વિનના અભ્યાસને લઈને ગંભીર હતો પરંતુ ક્રિકેટને લઈને ક્યારેય તેની પર રોક લાગી નથી.

અશ્વિને પોતાની નાનપણની દોસ્ત પ્રીતિ નારાયણન સાથે 2011માં લગ્ન કર્યા છે. અશ્વિન બે બાળકોનો પિતા છે. અશ્વિન અને પ્રીતિના પરિવારોએ સાથે મળીને લગ્ન કરાવ્યાં છે પરંતુ બન્નેનો પ્રેમ નાનપણનો છે. બન્ને ચેન્નાઈમાં એક જ સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં. આ પછી બન્ને અલગ અલગ કોલેજમાં ગયા પરંતુ મુલાકાતો વધતી ગઈ પછી આ પ્રેમ લગ્ન સુધી પહોંચી ગયો હતો.

અશ્વિનને ગત વર્ષે નવેમ્બરમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 300 વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયન બોલર ડેનિસ લીલીને પાછળ રાખ્યો હતો. અશ્વિને 54 ટેસ્ટ મેચમાં જ આ ઉપલબ્ધિ મેળવી હતી.

અશ્વિને બેટિંગમાં પણ કમાલનું પ્રદર્શન કર્યું છે. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ચાર શતક અને 6 અર્ધશતક સાથે કુલ 1439 રન બનાવ્યા છે. તેણે 36 મેચમાં 34.26ની એવરેજથી આ રન બનાવ્યાં છે. જ્યાં સુધી વન ડે ક્રિકેટની વાત છે તો 102 મેચમાં અશ્વિને 658 રન બનાવ્યાં છે.

(5:27 pm IST)