Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

આઈપીએલમાં સૌથી વધુ રન આપનાર બોલર બન્યો બસીલ થંપી

નવી દિલ્હી: આઈપીએલની ૧૧મી સીઝનની ૫૧મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદના ઝડપી બોલર બસિલ થંપી માટે કોઈ ખરાબ સ્વપ્ન સમાન બની રહી હતી. રોયલ ચેલેન્જર્સ બેગ્લોર સામેની આ મેચમાં હૈદરાબાદે શાનદાર ફોર્મમા ચાલી રહેલ ભુવનેશ્વર કુમારને આરામ આપીને બસિલ થંપીને તક આપી હતી. પરંતુ થંપી આ મેચમાં આઈપીએલના ઈતિહાસમાં એક મેચમાં સૌથી રન આપનાર બોલર બની ગયો છે.
બેંગ્લોર સામેની આ મેચમાં થંપીએ પોતાની ચાર ઓવરમાં ૭૦ રન આપ્યા હતા. આ સાથે જ હવે આઈપીએલના ઈતિહાસમાં થંપી સૌથી ખર્ચાળ બોલરોની યાદીમાં ટોપ પર આવી ગયો છે. તેમજ ટી-૨૦ ક્રિકેટના ઈતિહાસમાં તે ત્રીજો સૌથી ખર્ચાળ બોલર છે.
આઈપીએલમાં આ પહેલા એક મેચમાં સૌથી વધારે રન આપવાનો રેકોર્ડ ઈશાંત શર્માને નામે હતો. ઈશાંતે ૨૦૧૩માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમા ચાર ઓવરમાં ૬૬ રન આપ્યા હતા. આ ખરાબ રેકોર્ડ છેલ્લા પાંચ વર્ષથી ઈશાંત શર્માને નામે હતો જો કે તે હવે થંપીના નામે થઈ ગયો છે. ઈશાંતને આ વખતે આઈપીએલની હરાજીમાં કોઈએ ખરીદ્યો નથી. જેથી તે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે. જ્યારે થંપીને ભારતના ઉભરતા ઝડપી બોલરો પૈકીનો એક ગણવામાં આવે છે. તેમજ તેની બોલીંગ પ્રતિભાની નિષ્ણાંતો પ્રશંસા પણ કરે છે. જો કે બેંગ્લોર સામેની ગુરૃવારની મેચ તેના માટે દુસ્વપ્ન સમાન બની રહી હતી. આ મેચમાં બેગ્લોરે હૈદરાબાદને હારવીને પ્લે ઓફ માટે પોતાની આશાઓને જીવંત રાખી છે.

 

(4:25 pm IST)