Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

કોમનવેલ્થ કુસ્તીમાં સુશીલ કુમારને મળ્યું ગોલ્ડ મેડલ

નવી દિલ્હી: ભારતના ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ કુસ્તીબાજ સુશીલ કુમારે સાઉથ આફ્રિકામાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. સુશીલે ત્રણ વર્ષ બાદ કુસ્તીમાં પુનરાગમન કરતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડન સફળતા હાંસલ કરી છે. તેણે છેલ્લે ૨૦૧૪ના ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા અંગે તેની અને નારસિંહ યાદવ વચ્ચે વિવાદ સર્જાયો હતો અને સુશીલને ઓલિમ્પિક ગુમાવવા પડયા હતા. સુશીલ કુમારે કોમનવેલ્થ કુસ્તી ચેમ્પિયનશીપમાં ૭૪ કિગ્રા વજન વર્ગની ફ્રિસ્ટાઈલ કુસ્તીમાં આ સફળતા પ્રાપ્ત કરી હતી. સુશીલે ન્યુઝીલેન્ડના આકાશ ખુલ્લરને હરાવીને ભારતને સુવર્ણ સફળતા અપાવી હતી. ગોલ્ડન કમબેક બાદ સુશીલ સોશિયલ મીડિયા પર દેશનો અર્પણ કર્યો હતો. પ્રથમ રાઉન્ડમાં સુશીલે પ્રથમ મુકાબલામાં સાઉથ આફ્રિકાના પેટ્રસ બોથાને ૮-૦થી હરાવ્યો હતો. આ પછી તેણે ભારતના જ પ્રવિણ રાણાને ભારે રસાકસીભર્યા મુકાબલામાં ૫-૪થી હરાવ્યો તો. નોંધપાત્ર છે કે, સુશીલને વોકઓવર આપીને નેશનલ ચેમ્પિયન બનાવનારા કુસ્તીબાજોમાં પ્રવિણ રાણા પણ સામેલ હતો. ગોલ્ડ મેડલ સુધીની સફરમાં સુશીલે કેનેડાના જસમીત સિંઘ ફુલ્કાને પરાસ્ત કર્યો હતો.

(8:57 pm IST)