Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

ઓસ્ટ્રેલિયાના પસંદગીકારોની એશિઝ માટેની ટીમ યોગ્ય નથી

વોર્નના મતે વિકેટ કિપર ટીમ પાઈને બોજરૂપ : ઈંગ્લેન્ડની ટીમ જોરદાર ટક્કર આપશે

સીડની, : પ્રતિષ્ઠિત એશીઝ જંગના કાઉન્ટ ડાઉનનો પ્રારંભ થઈ ગયો છે અને ઓસ્ટ્રેલિયાએ તેની ટીમની જાહેરાત પણ કરી દીધી છે. ત્યારે ભૂતપૂર્વ સ્પિનર શેનવોર્ને ટીમની પસંદગીની ટીકા કરી છે. વોર્ને વિશેષ કરીને વિકેટ કિપર તરીકે ટીમ પાઈનેના સમાવેશથી આશ્ચર્ય અનુભવ્યું છે. તેણે કહ્યું કે ટીમ ચાઈને તેના રાજ્યની ટીમમાં પણ વિકેટ કિપર તરીકેની પ્રથમ પસંદગી નથી ત્યારે તેને સીધો એશિઝ જેવા મુકાબલામાં કઈ રીતે ઉતારી શકાય.

વોર્ને કહ્યું કે પસંદગીકારો ગૂંચવાયેલા લાગે છે. ૩૨ વર્ષીય ટીમ પાઈને ઓસ્ટ્રેલિયા તરફથી ચાર ટેસ્ટ રમ્યો છે જેમાંની છેલ્લી છેક ૨૦૧૦ ઓક્ટોબરમાં રમ્યો હતો. એશિઝની પ્રથમ બે ટેસ્ટ માટેની ૧૩ ખેલાડીઓની ટીમમાં મેથ્યુ વેડ અને પીટર નેવિલને બાજુએ મુકાયા તે આઘાતજનક છે તેમ વોર્ને ઉમેર્યું હતું. પાઈનને તેની ટીમ તાસ્માનિયામાં વેડ પછી બીજી હરોળનો વિકેટ કિપર મનાતો હોય છે.

વોર્ને ઓસ્ટ્રેલિયાને ચેતવ્યા હતા કે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયામાં આવી ઘણો સારો દેખાવ પ્રેક્ટિસ મેચોમાં કરી રહી છે. તેઓ વધુ સ્પષ્ટ, દ્રઢ નિશ્ચયી અને સમતોલ છે.

૧૪૫ ટેસ્ટમાં ૭૦૮ વિકેટ લઈ ચૂકેલા વોર્ને બંને ટીમને સમાન તક છે તેમ જણાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા ભલે ઘરઆંગણે રમતુ હોય પણ શ્રેણીમાં ખૂબ નજીકનો મુકાબલો રહેશે.

જોકે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માર્ક ટેલરે પસંદગી સમિતિને ટીમ બદલ અભિનંદન આપતા કહ્યું કે તેઓએ વર્તમાન ફોર્મને નજરમાં રાખીને ટીમ જાહેર કરી છે જે યોગ્ય અભિગમ છે.

 

(9:02 am IST)