Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

એશિયન ગોલ્ડ મેડલિસ્ટર રેસલર વિનેશ ફોગાટે શાનદાર પ્રદર્શન કરીને ૨૦૨૦ ટોક્યો ઓલિમ્પિક રમતો માટે જગ્યા બનાવી

નૂર-સુલ્તાન (કઝાકિસ્તાન): એશિયન ગોલ્ડ મેડલિસ્ટર રેસલર વિનેશ ફોગાટએ શાનદાર પ્રદર્શન કરી 2020 ટોક્યો ઓલિમ્પિક રમતો માટે જગ્યા બનાવવામાં સફળતા મેળવી છે. વિનેશ આ સિદ્ધિ મેળવનાર પ્રથમ રેસલર બની ગઈ છે. વિનેશે વિશ્વ રેસલિંગ ચેમ્પિયનશિપની રેપેચેઝ રાઉન્ડની બંન્ને મેચ જીતીને આ સિદ્ધિ મેળવી છે. આ સાથે વિનેશે ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં પ્રવેશ કરી લીધો છે.

વિનેશે રેપેચેઝના પ્રથમ રાઉન્ડમાં ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલિસ્ટ યૂક્રેનની યૂલિયા બ્લાહિન્યાને હરાવી હતી. તેણે આ ફાઇટ 5-0થી જીતી હતી. ત્યારબાદ તેની ટક્કર સિલ્વર મેડલિસ્ટ અમેરિકાની સારા બિલ્ડરબ્રેન્ડ સામે થઈ હતી. જેમાં વિનેશે 8-2થી જીત હાસિલ કરી અને બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં પ્રવેશ કર્યો હતો. આ સાથે તેણે ઓલિમ્પિક ટિકિટ પણ મેળવી લીધી છે. હવે વિનેશનો મુકાબલો બે વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ મારિયા પ્રેવોલારાકી સામે થશે.

35 વર્ષીય વિનેશે મંગળવારે ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી અને ક્વોલિફિકેશનમાં રિયો ઓલિમ્પિકની મેડલ વિજેતા સ્વીડનની સોફિયા મેટસનને 13-0ના મોટા અંતરથી પરાજય આપ્યો હતો, પરંતુ તેની ગોલ્ડની આશા પર જાપાનની માયુ મુકાઇદાએ પાણી ફેરવી દીધું હતું.

વિનેશે પ્રી-ક્વાર્ટરફાઇનલમાં મુકાઇદા સામે 0-7થી હારનો સામનો કરવો પડ્યો હતો. મુકાઇદાએ આ વર્ગના ફાઇનલમાં જગ્યા બનાવી જેથી વિનેશન રેપેચેઝમાં ઉતરવાની તક મળી હતી. વિનેશની મુકાઇદા વિરુદ્ધ આ સતત બીજી હાર છે. આ પહેલા તેણે એશિયન ચેમ્પિયનશિપમાં પણ મુકાઇદા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

(4:49 pm IST)