Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

આઇપીએલ-11માં અફઘાનિસ્તાનના રશીદ ખાને એક પણ નો બોલ નથી ફેંક્યો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી દરેક મેચમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, જોકે આઇપીએલ-૧૧ની શરૃઆતની મેચમાં તેની હરીફ ટીમના બેટ્સમેનોએ સારી એવી ધોલાઈ કરી હતી, પરંતુ એક વાર જ્યારે રાશિદ ખાન ફોર્મમાં આવી જાય છે ત્યારે તેની સામે રમવું કોઈ બેટ્સમેન માટે સહેલી વાત નથી હોતી. 

આઇપીએલ હવે અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. રાશિદ ખાને નો બોલ ફેંકવાના મામલામાં એક નવો રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો છે. અત્યાર સુધી ૧૨ મેચ રમી ચૂકેલા રાશિદ ખાને હજુ એક પણ નો બોલ ફેંક્યો નથી. ટૂર્નામેન્ટ દરમિયાન રાશિદે કુલ ૨૮૮ બોલ ફેંકી ચૂક્યો છે, પરંતુ આમાંથી એક પણ નો બોલ નથી. આ લિસ્ટમાં તે સુનીલ નરૈન અને આર. અશ્વિન જેવા દિગ્ગજોને પાછળ છોડી ચૂક્યો છે. 

રાશિદ ખાનની આઇપીએલમાં એન્ટ્રી વર્ષ ૨૦૧૭માં થઈ હતી. એ સમયે રાશિદે હૈદરાબાદ તરફથી રમીને શાનદાર પ્રદર્શન કરતાં ૧૪ મેચમાં ૧૭ વિકેટ ઝડપી હતી. વર્તમાન સિઝનમાં પણ તે પોતાની સ્પિન બોલિંગથી ભલભલા બેટ્સમેનોને વિકેટ પર નચાવી રહ્યો છે. અત્યાર સુધી તેણે રમેલી ૧૨ મેચમાં ૧૩ વિકેટ ઝડપી છે. આ દરમિયાન રાશિદ માટે ખાસ વાત એ છે કે તેનો ઇકોનોમી રેટ ૬.૯૦નો રહ્યો છે, જેને ટી-૨૦ ફોર્મેટમાં શાનદાર કહી શકાય.

(5:08 pm IST)