Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

બિગ બેશ ટી-૨૦ લીગની વિજેતા બની આરોન ફિન્ચની રેનેગેડ્સ ટીમ

નવી દિલ્હી: આઇપીએલની સ્ટાઈલમાં ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બિગ બેશ ટી-૨૦ લીગની ઓલ મેલબોર્ન ફાઈનલમાં આરોન ફિન્ચની રેનેગેડ્સ ટીમે મેક્સવેલની સ્ટાર ટીમને નાટકીય રીતે ૧૩ રનથી હરાવીને ટાઈટલ જીતી લીધું હતુ. જીતવા માટેના ૧૪૬ના ટાર્ગેટનો પીછો કરી રહેલી મેલબોર્ન સ્ટાર્સનો સ્કોર એક તબક્કે ૯૩/૦ હતો.જોકે અંહીથી રેનેગેડ્સે બાજી પલ્ટી હતી. સ્ટાર્સે માત્ર ૧૯ રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી અને ૨૦ ઓવરમાં તેઓ સાત વિકેટે ૧૩૨ રન કરી શક્યા હતા અને રેનેગેડ્સ જીતી ગયું હતુ. આ સાથે મેલબોર્ન રેનેગેડ્સે પહેલી વખત બિગ બેશ લીગમાં ચેમ્પિયનશીપ મેળવી હતી. ડેન ક્રિશ્ચિયનને ઓલરાઉન્ડ દેખાવબદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મેલબોર્ન સ્ટાર્સે ટોસ જીતીને પહેલા રેનેગેડ્સને બેટીંગમાં ઉતાર્યું હતુ. રેનેગેડ્સની શરૃઆત સારી રહી નહતી અને તેમનો સ્કોર ૬૫/૫ થઈ ગયો હતો. જોકે ત્યાર બાદ તેમણે ધમાકેદાર પુનરાગમન કર્યું હતુ. કૂપર (૪૩*) અને ક્રિશ્ચિયન (૩૮*)ની જોડીએ અણનમ ૮૦ રન જોડતા સ્કોરને પાંચ વિકેટે ૧૪૫ સુધી પહોંચાડયો હતો. સ્ટાર્સ તરફથી જેક્સન બર્ડ અને ઝામ્પાએ ૨-૨ વિકેટ ઝડપી હતી. ડંક અને સ્ટોઈનીસે ૯૩ રનની ઓપનિંગ ભાગીદારી માત્ર ૧૩ ઓવરમાં નોંધાવતા જીત નિશ્ચિત લાગતી હતી. ડંકે ૪૫ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૭ રન ફટકાર્યા હતા. જ્યારે સ્ટોઈનીસે ૩૮ બોલમાં બે ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૩૯ રન કર્યા હતા. જોકે અહીથી તેમનો નાટકીય ધબડકો થયો હતો. તેમણે ૧૯ રનના ગાળામાં સાત વિકેટ ગુમાવી હતી અને આખરે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૩૨ રન કર્યા હતા, જેના કારણે રેનેગેડ્સ જીતી ગયું હતુ. હેન્ડસ્કોમ્બ ૦, મેક્સવેલ ૧, મેડિસન ૬, ગોટ્ચ ૨ અને ડ્વેન બ્રાવો ૩ રન આઉટ થયા હતા. ટ્રેમાઈન, બોયસ અને ડેન ક્રિશ્ચિયને ૨-૨ વિકેટ ઝડપી હતી.

(5:35 pm IST)