Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ભારતીય ખેલ પ્રાધિકરણની ઓફિસ પર સીબીઆઈના દરોડા: 6 અધિકારીની ધરપકડ

નવી દિલ્હી:દેશમાં રમતને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવેલી મહત્વપૂર્ણ સંસ્થા ભારતીય ખેલ પ્રાધિકરણ (SAI)ની ઓફિસ પર CBI દ્વારા રેડ પાડીને 6 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. CBI દ્વારા દિલ્હીના લોધી રોડ સ્થિત SAIની ઓફિસમાં ગુરવારે સાંજે રેડ કરવામાં આવી હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ પ્રાધિકરણના કેટલાક અધિકારીઓ વિરુદ્ધ કામ કરવાના બદલમાં લાંચ માગવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. ભારતની રમત સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ સંસ્થાના અધિકારીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીમાં ભારતીય ખેલ પ્રાધિકરણના ડાયરેક્ટર એસ.કે શર્મા, જૂનિયર એકાઉન્ટ ઑફિસર હરિંદર પ્રસાદ, સુપરવાઇઝર લલિત જૉલી અને યૂડીસી વીકે શર્મા સહિત એક દલાલ મનદીપ આહૂજા અને એક કર્મચારીનો સમાવેશ થાય છે. તેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે કે 19 લાખ રૂપિયાના એક બિલને ક્લિયર કરવા માટે અધિકારીઓ દ્વારા 3% કમિશનની માંગણી કરવામાં આવી હતી. જ્યારે મળતી વિગતો મુજબ CBIની એક ટીમ દ્વારા ગુરુવાર સાંજે જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમ સ્થિત SAIની મુખ્ય ઓફિસને સીલ કરવામાં આવી હતી. આ રેડ SAIના મહાનિદેશક નીલમ કપૂર દ્વારા કરવામાં આવેલી અરજી બાદ CBI દ્વારા રેડ કરવામાં આવી હતી. અગાઉ છ મહિના પહેલા મહાનિદેશક નીલમ કપૂર પાસે આ મામલો આવ્યો હતો, જેની રજૂઆત તેમણે ખેલ મંત્રીને કરી હતી અને મંત્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે આ મામલો CBIને સોંપવામાં આવે. આરોપી અધિકારીઓ પર સંસ્થાની બધી જ સ્ટેશનરી ખરીદવાની જવાબદારી હતી અને તેઓ ઓફિસના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ફર્નીચર ખરીદવાની જવાબદારી હતી. જ્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ છેલ્લા એક વર્ષથી SAIમાં આ મામલે અનિયમિતતા જોવા મળી રહીં હતી. ભારતીય ખેલ પ્રાધિકરણની સ્થાપના 34 વર્ષ પહેલા 1984માં કરવામાં આવી હતી. આ સંસ્થાનો ઉપયોગ દેશમાં રમતને લઇને લોકોને પ્રોત્સાહિત કરવાનો છે.

(5:10 pm IST)