Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

IPL 2022: એન્ડી ફ્લાવર લખનઉ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત :કેએલ રાહુલ જોડાય તેવા સંકેત

ફ્લાવર છેલ્લી બે સિઝનથી પંજાબ કિંગ્સના સહાયક કોચ તરીકે સેવા આપી રહ્યા હતા

નવી દિલ્હીઃ આગામી વર્ષે થનાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)નો સમય નજીક આવી રહ્યો છે. આવી સ્થિતિમાં એડિશનમાં સામેલ નવી ટીમો પણ પોતાના સ્ટાફને ફાઈનલ કરવામાં વ્યસ્ત છે. જો કે અમદાવાદ સ્થિત CVC કેપિટલની તપાસમાં ક્લિયર થવાનું બાકી છે.

જોકે, ગોએન્કા ગ્રૂપ એન્ડ કંપનીની લખનૌ ટીમ ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. આ કડીમાં તેણે ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન એન્ડી ફ્લાવરને ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ફ્લાવર છેલ્લી બે સિઝનથી પંજાબ કિંગ્સના સહાયક કોચ તરીકે સેવા આપી રહ્યા હતા. લખનૌની ટીમનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. છેલ્લી બે સિઝનથી પંજાબના કેપ્ટન રહેલા કેએલ રાહુલ પણ સંજીવ ગોએન્કાની માલિકીની લખનૌ ફ્રેન્ચાઇઝીમાં જોડાય તેવી શક્યતા છે.

ફ્લાવરે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું, “હું લખનૌની નવી ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈને ખૂબ જ ઉત્સાહિત છું અને આ તક માટે હું ખૂબ જ આભારી છું. 1993માં મારા પ્રથમ ભારત પ્રવાસથી મને હંમેશા ભારતનો પ્રવાસ, અહીં રમવાનું અને કોચિંગ કરવાનું પસંદ છે. “ભારતમાં ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો અજોડ છે અને IPL ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરવું એ એક મહાન સન્માનની વાત છે અને હું ગોએન્કા અને લખનૌની ટીમ સાથે મળીને કામ કરવા આતુર છું,”

ફ્લાવરે કહ્યું, “મને ખાતરી છે કે હું લખનૌ ફ્રેન્ચાઈઝી સાથે કંઈક અર્થપૂર્ણ અને સફળ કરવાના પડકારનો સંપૂર્ણ આનંદ માણીશ. હું નવા વર્ષમાં ઉત્તર પ્રદેશની મુસાફરી કરવા અને મેનેજમેન્ટ અને મારા સાથીદારોને મળવા માટે ઉત્સુક છું.

જ્યારે બીજી તરફ ગોએન્કાએ કહ્યું, ‘એન્ડીએ એક ખેલાડી અને કોચ તરીકે ક્રિકેટ ઇતિહાસમાં અમીટ છાપ છોડી છે. અમે તેમની વ્યાવસાયિકતાનો આદર કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે તે અમારા ‘વિઝન’ પ્રમાણે કામ કરશે અને અમારી ટીમની વિશ્વસનીયતા વધારશે

(10:04 pm IST)