Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી પીવી સિંધુ બહાર : ક્વાર્ટર ફાઈનલમાં મળ્યો પરાજય

ચાઈનીઝ તાઈપેની તાઈ જૂ યિંગ સામે 42 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં પીવી સિંધુ 17-21, 13-21થી હારી ગઈ

મુંબઈ : BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2021માં ભારતને મોટો ઝાટકો લાગ્યો છે. સ્ટાર શટલર પીવી સિંધુ ક્વાર્ટરફાઈનલ મુકાબલો હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. પીવી સિંધુને વિશ્વની નંબર-1 બેડમિન્ટન પ્લેયર તાઈ જૂ યિંગે માત આપી હતી. 42 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં પીવી સિંધુ 17-21, 13-21થી હારી ગઈ હતી.

પીવી સિંધુ સતત 5મી વખત ચાઈનીઝ તાઈપેની તાઈ જૂ યિંગ સામે હારી છે. અત્યાર સુધીમાં બંને વચ્ચે 20 મુકાબલા થયા છે જેમાંથી 15માં પીવી સિંધુએ હારનો સામનો કરવો પડ્યો છે. ટોક્યો ઓલમ્પિક-2020માં પીવી સિંધુને સેમિફાઈનલમાં તાઈ જૂ યિંગે જ હરાવી હતી.

ગઈ વખતે પીવી સિંધુએ આ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. તેવામાં તે વર્લ્ડ સિંગલ્સની કેટેગરીમાં છઠ્ઠો મેડલ જીતવાથી ચુકી ગઈ.  પીવી સિંધુને મેચમાં અનેક વખત કોર્ટ કવર કરવા, ડ્રોપ શોટમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પીવી સિંધુ વર્લ્ડ નંબર-7 પ્લેયર છે અને 2 વખત ઓલમ્પિક મેડલ જીતી ચુકી છે. પીવી સિંધુએ 2019ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તાઈ જૂને માત આપી હતી.

(8:28 pm IST)