Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

મોહમ્મદ શમી ત્રાટકયો : ઓસ્ટ્રેલિયા ૨૪૩માં ઓલઆઉટ : ૨૮૭નો ટાર્ગેટ : ભારત-૯૦/૪

મેચ રસપ્રદ બન્યો : રાહુલ, વિજય, પૂજારા, વિરાટ સસ્તામાં ઉડ્યા : રહાણે અને વિહારી ક્રિઝ ઉપર : મહામુકાબલો જીતવા હજુ ૧૯૭ રનની જરૂર

પર્થ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ બીજો ટેસ્ટ મેચ રસપ્રદ તબક્કામાં પહોંચ્યો છે. આજે ચોથા દિવસે મોહમ્મદ શમીએ શાનદાર બોલીંગ કરી ૬ વિકેટો ઝડપી ઓસ્ટ્રેલિયાને ૨૪૩ રનમાં પેવેલીયન ભેગું કરી દીધુ હતું. તો ૨૮૭ રનના ટાર્ગેટ સાથે ઉતરેલી ભારતીય ટીમની પણ મહત્વની ૪ વિકેટો પડી ગઈ છે.

આજે ચોથા દિવસે પોતાનો અધૂરા દાવ સાથે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો મેદાનમાં આવ્યા હતા. પરંતુ મોહમ્મદ શમીએ આજે શાનદાર બોલીંગનું પ્રદર્શન કરી માત્ર ૫૬ રન આપી મહત્વની ૬ વિકેટો ઝડપી હતી. ખ્વાજા ૭૨, પેઈન ૩૭, કમીન્સ ૧, ગઈકાલે ઈજાગ્રસ્ત થયેલ ઓપનર ફીન્ચ આજે દાવમાં આવ્યો હતો. પરંતુ તે પણ ક્રીઝ ઉપર ટકી શકયો ન હતો અને ૨૫ રને આઉટ થયો હતો. સ્ટાર્ક ૧૪ અને લીયન ૫ રન બનાવી આઉટ થયા હતા. ભારતીય બોલરો મોહમ્મદ શમીએ સૌથી વધુ ૬, ઈશાંત શર્મા ૧ અને બુમરાહે ૩ વિકેટો લીધી હતી.

૨૮૭ રનના ટાર્ગેટ સાથે ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત પણ સારી રહી ન હતી. ઓપનર લોકેશ રાહુલ ફરી એક વખત ફલોપ સાબિત થયો હતો અને ખાતુ ખોલાવ્યા વગર સ્ટાર્કે તેને બોલ્ડ કરી દીધો હતો. ત્યારબાદ મુરલી વિજય ૨૦, લોકલબોય ચેતેશ્વર પૂજારા ૪ અને વિરાટ કોહલી ૧૭ રન બનાવી આઉટ થયા હતા.

આ લખાય છે ત્યારે ભારતે ૩૦ ઓવરમાં ૪ વિકેટના ભોગે ૯૦ રન બનાવ્યા છે. વાઈસ કેપ્ટન અજિંકય રહાણે ૨૯ અને હનુમા વિહારી ૧૩ રને દાવમાં છે. ટીમ ઈન્ડિયાને મહા વિજય માટે હજુ ૧૯૭ રનની જરૂર છે. (૩૭.૧૪)

 

(3:50 pm IST)