Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ક્રિકેટ બોર્ડની સિલેકશન કમીટીમાં પાંચ મેમ્બર્સની નિયુકિત થવાની શકયતા

કોર્ટ મિત્ર ગોપાલ સુબ્રમણ્યમ લોઢા સમિતિની ભલામણોને અમલમાં લાવવા માટે આતૂર

નિવૃત જસ્ટીસ આર. એમ. લોઢા સમિતિની ભલામણોને ક્રિકેટમાં અમલી કરવાના મુદ્દે અમાઈકસ કયુરી (કોર્ટના મિત્ર) ગોપાલ સુબ્રમણ્યમે સખત વલણ અપનાવતા ક્રિકેટ બોર્ડને ઝટકો લાગ્યો છે. ગયા અઠવાડીયે આ કેસમાં સુનાવણી થવાની હતી પણ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક મિશ્રાના વડપણ હેઠળની ત્રણ જજોની બેન્ચે સુનાવણીને ૪ જુલાઈ સુધી મુલત્વી રાખી હતી.

ક્રિકેટ બોર્ડની સિલેકશન સમિતિમાં હાલમાં ૩ મેમ્બરો છે. અગાઉ આ સંખ્યા પાંચ હતી. ગોપાલ સુબ્રમણ્યમ ત્રણના સ્થાને પાંચ મેમ્બરો કરવા તૈયાર છે અને મેમ્બરોની સંખ્યા વધારવા સામે તેમને કોઈ વાંધો નથી. વોટીંગની બાબતે પણ તેઓ રેલ્વેને મત આપવાનો અધિકાર આપવા માગે છે, કારણ કે રેલ્વે ૯૦ ટકા મહિલા ખેલાડીઓને નોકરી આપે છે. જો કે વોટ રેલ્વે અધિકારી નહિં પણ ભૂતપૂર્વ પ્લેયર કરી શકે એમ તેમનું કહેવુ છે. તેઓ ક્રિકેટ કલબ ઓફ ઈન્ડિયા, નેશનલ ક્રિકેટ કલબ, સર્વિસીસ અને યુનિવર્સિટીઓને વોટીંગ રાઈટ આપવાના પક્ષમાં નથી.

જે પાંચ ભલામણોનો ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ વિરોધ કર્યો છે એમાં વન સ્ટેટ - વન વોટ, ટર્મ પૂરી થયા બાદ ત્રણ વર્ષનો કૂલીંગ ઓફ પિરીયડ, ૭૦ વર્ષની વયમર્યાદા અને પદાધિકારીઓ અને વેતન મેળવતા કર્મચારીઓને ડ્યુટીની વહેંચણીનો સમાવેશ છે.

(4:01 pm IST)