Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

IPL -2020 : વિદેશી ખેલાડીઓને 14 દિવસ અલગ રાખવા માટે તમામ ટીમો થઈ તૈયાર

ટીમો સરકારની ટ્રાવેલ્સ એડવાઇઝરીને માનવા તૈયાર

 

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020) થશે કે નહીં તેનો જવાબ હજુ મળ્યો નથી કોરોના વાયરસના કારણે 15 એપ્રિલ સુધી આઇપીએલ સ્થગિત કરાઈ છે ત્યારે તમામ ટીમો વિદેશી ખેલાડીઓને 14 દિવસ સુધી ટીમથી અલગ રાખવા તૈયાર છે. આઈપીએલની ટીમો ભારત સરકારની ટ્રાવેલ એડવાઇઝરીને માનવા તૈયાર છે જેમાં કહેવામાં આવ્યું છે કે વિદેશથી આવનાર લોકોને પહેલા 14 દિવસો સુધી અલગ રાખવામાં આવશે, હાલ સરકારે 31 માર્ચ સુધી વિદેશીઓના ભારત આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

   મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આઈપીએલના એક અધિકારીએ કહ્યું છે કે બધી ટીમો વિદેશી ખેલાડીઓને 14 દિવસો સુધી અલગ રાખવા તૈયાર છે. અધિકારીએ કહ્યું છે કે તાજા દિશા નિર્દેશો પ્રમાણે કેટલાક દેશોમાંથી આવનાર લોકોને પહેલા 14 દિવસ સુધી અલગ રાખવા પડશે. જો 31 માર્ચ પછી પણ યથાવત્ રહેશે તો અમારે માટે કોઈ મુદ્દો નથી. જો અમને ભારત સરકારની મંજૂરી મળશે અને વિદેશી ખેલાડીઓને વિઝા આપવામાં આવે છે તો અમે તે ખેલાડીઓને પહેલા 14 દિવસ સુધી અલગ રાખવા માટે તૈયાર છીએ. આવા સંજોગોમાં અમે તે ખેલાડીઓને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ભારત લાવીશું અને પ્રથમ બે સપ્તાહ સુધી તેમને અલગ રાખવામાં આવશે.

 જોકે સવાલ છે કે શું વિદેશી ખેલાડીઓના દેશ કે ક્રિકેટ બોર્ડ તેમને ભારત આવવાની પરવાનગી આપશે? ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે તો પહેલા પોતાના બધા ખેલાડીઓને આઈપીએલમાં રમવાના નિર્ણય પર વિચાર કરવા માટે કહ્યું છે.

(12:00 am IST)